નર્મદામાં 24 કલાકમાં 7 ડિગ્રી તાપમાન ઘટી 5.1 ડિગ્રીએ પહોંચ્યું, કાતિલ ઠંડીનો અનુભવ કરતા લોકો, સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલથી શરૂ થયેલો કાતિલ ઠંડીનો રાઉન્ડ યથાવત રહ્યો છે. અને આજે પણ ઠંડા પવનો ફુંકવાના કારણે લોકો હાડ ધુજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે તાપમાનનો પારો વધુ ગગડયો છે. અને આઠ સ્થળે તાપમાન 10 ડિગ્રી સે.થી નીચે નોંધાયુ છે. રાજયના નર્મદા જિલ્લામાં સૌથી નીચુ 5.1 ડિગ્રી તાપમાન પહોંચીજતા લોકો ઠંડીથી થથરી ઉઠયા છે. નર્મદામાં ગઇકાલે 12.7 ડિગ્રી તાપમાન હતુ તેમાં સીધો સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
આ ઉપરાંત વડોદરા, ડીસા, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકવાના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસ પણ ઠંડીમાં વધારો થઇ શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં શીત લહેરની શક્યતા છે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે.
છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી પારો ગગડયો છે અને આ વર્ષે શિયાળામાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ આવી જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હજુ આગામી અઠવાડિયા સુધી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતાઓ છે. જ્યારે સમગ્ર ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનું મોજુ રહેવાની શક્યતાઓ છે.
આ વર્ષે ઠંડીની શરૂૂઆત મોડેથી થઈ છે પરંતુ હવે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ કડકડતી ઠંડીની શરૂૂઆત થઈ છે. છેલ્લા ચારેક દિવસમાં ચાર ડિગ્રી તાપમાન ગગડયુ છે અને પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ આવી હાડ તીજવતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના મોડાસા, હિંમતનગર, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં પણ છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીની શરૂૂઆત થઈ છે. આ શિયાળામાં કડકડતી ઠંડીનો આ પ્રથમ રાઉન્ડ શરૂૂ થયો છે અને હજુ અઠવાડિયા સુધી ઠંડીના પ્રમાણમાં વધારો રહેવાની શક્યતાઓ રહેલી છે. રાત્રે લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે અને રાત્રે તાપણાંનો સહારો લેવાની ફરજ પડી રહી છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે અને અગાઉના વર્ષોમાં મોટાભાગે આ મહિનામાં લઘુત્તમ તાપમાન એક આંકડામાં પણ નોંધાયેલુ છે. 2020માં તો પારો ગગડીને 6.6 ડિગ્રી પહોંચી જતાં શીતલહેર ફરી વળી હતી અને લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડયો હતો.