એશિયન બજારોમાં નબળા વલણને અનુરૂૂપ, ભારતીય શેરબજારો મંગળવારે 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ (યુએસ ટ્રેઝરી) માં બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાની ઉભરતા શેરબજારો પર નકારાત્મક અસર પડી છે. જેના કારણે વિદેશી રોકાણકારો આ બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે.કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં મંદીનો માહોલ. સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 391 પોઇન્ટના ઘટાડા સાથે 77,856 અંક પર ખૂલ્યુ હતું. અને થોડીવારમાં 688 પોઇન્ટનો કડાકો નોંધાતા 77560 પર ટ્રેડ થયો હતો. જ્યારે નિફ્ટી 95 પોઇન્ટના ઘટાડા સાથે 23,549 અંક પર ખૂલ્યુ હતું. નીફટીમાં બાદમાં 184 અંકનો ઘટાડો નોંધાતા 23460 પર ટ્રેડ થઇ હતી.
આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 8.8% અને 8.3% વધ્યા છે. આ 2023માં લગભગ 20%ના ઉછાળા કરતાં ઘણું ઓછું છે. કોર્પોરેટ કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો અને છેલ્લા ક્વાર્ટરમાં સતત વિદેશી વેચાણની અસર બજાર પર પડી છે.મંગળવારે (31 ડિસેમ્બર) બજાર ખુલતાંની સાથે જ અદાણી ગ્રૂપની કંપની અદાણી વિલ્મરના શેરમાં 7%નો ઘટાડો થયો હતો. અદાણી વિલ્મરના શેરમાં આ ઘટાડો વાસ્તવમાં ગૌતમ અદાણી દ્વારા કંપનીમાં તેમનો સંપૂર્ણ 44% હિસ્સો વેચવાના સમાચાર પછી આવ્યો છે.