દૃષ્ટિની ખામી ઓળંગીને કાર્યક્રમોમાં વૃષ્ટિ ગજવે છે સ્ટેજ

સંતવાણી, લગ્ન ગીત, ગરબા, ભજન હોય કે ડાયરો હોય દસમા ધોરણમાં ભણતી વૃષ્ટિ વેકરિયાનો સૂર વહે એટલે કાર્યક્રમમાં લાગી જાય ચાર ચાંદ 150થી વધુ કાર્યક્રમો…

સંતવાણી, લગ્ન ગીત, ગરબા, ભજન હોય કે ડાયરો હોય દસમા ધોરણમાં ભણતી વૃષ્ટિ વેકરિયાનો સૂર વહે એટલે કાર્યક્રમમાં લાગી જાય ચાર ચાંદ

150થી વધુ કાર્યક્રમો કરનાર વૃષ્ટિ વેકરિયા છે મલ્ટી ટેલેન્ટેડ, તે બાંસુરી વગાડે છે, મીમીક્રી કરે છે અને એન્કરિંગમાં પણ અજમાવે છે હાથ

પાંચ વર્ષની દીકરીને દાદી પોતાની આંગળી જાલીને મંદિરે સત્સંગમાં લઈ જતા ત્યાં બહેનો જે ભજન, ગીતો ગાતા એ નાનકડી દીકરી સાંભળતી, યાદ રાખતી અને બરાબર એ જ રીતે ગાવાનો પ્રયત્ન કરતી. દરરોજ દાદીની સાથે જવાથી એક સમય એવો આવ્યો કે આ ઢીંગલી ભજન ગવડાવવા લાગી અને અન્ય મહિલાઓ તે ઝીલતી. તેનો કંઠ તો મધુર હતો જ અને તેમાં સૂરની મીઠાશ ભળી જેથી સાંભળનાર તેમાં તલ્લીન થઈ જતાં.

સંગીતની તેની સૂઝ જોઈને પરિવારમાંથી નિર્ણય લેવાયો કે આ દીકરીને સંગીત શીખવવું. આમ તો આ ઘટના સામાન્ય લાગે પરંતુ આ સામાન્ય વાતમાં અસામાન્ય બાબત એ હતી કે એ પાંચ વરસની દીકરી દ્રષ્ટિ વિહીન હતી અને આ ખામી સાથે જ તેનો જન્મ થયો હતો. હાલ દસમા ધોરણમાં ભણતી આ દીકરી એટલે મૂળ જૂનાગઢના અને હાલ સુરતમાં સ્થાયી થનાર વૃષ્ટિ વેકરિયા. માતા પિતાએ જ્યારે સંગીત શીખવવા મૂકી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ખૂબ જ ટૂંકા સમયમાં દીકરી સૂરોને આત્મસાત કરીને સ્ટેજ પર સરસ્વતી દેવીની સાધના કરશે. આત્મવિશ્વાસ અને મા સરસ્વતીના આશીર્વાદથી સંતવાણી હોય, લગ્ન ગીત હોય, ગરબા હોય, ભજન હોય કે ડાયરો હોય વૃષ્ટિનો સૂર વહે એટલે સમગ્ર વાતાવરણ બદલાઈ જાય.

વૃષ્ટિનો જન્મ જૂનાગઢમાં થયો. માતા રીનાબેન વેકરિયા અને પિતા પરેશભાઈ વેકરિયા. પ્રથમ સંતાનમાં પુત્રીનો જન્મ થતા જાણે સાક્ષાત લક્ષ્મીજીનું આગમન થયું હોય તેવો આનંદ હતો પરંતુ દીકરી બે મહિનાની થઈ ત્યારે નજર માંડતી નહોતી, કોઈ વસ્તુ પકડતી નહોતી તેથી ઉંમર અને અનુભવોમાં આગળ એવા દાદીને શંકા ગઈ. ડોક્ટરને દેખાડવાનું નક્કી કર્યું. તબીબી તપાસમાં ખ્યાલ આવ્યો કે દીકરીને રેટીનામાં ખામી છે.દીકરીને દ્રષ્ટિ ન હોય ત્યારે માતા પિતા કાંઈ શાંતિથી બેસી રહે ખરા?. જુનાગઢથી ચેન્નઈ સુધી દીકરીને લઈ અને ફરી વળ્યા પરંતુ દરેક ડોક્ટરોએ રેટીનામાં ખામી હોવાનું જણાવ્યું અને તેની સર્જરી હાલ પૂરતી શક્ય ન હોવાથી વૃષ્ટિને દ્રષ્ટિ વગર જ આગળનું જીવન જીવવું પડશે એમ મન મનાવ્યું અનેક પ્રયત્નો પછી માતા-પિતાએ પણ આ વાત સ્વીકારી લીધી અને દીકરીની ખામીને ખૂબી બનાવવા કમર કસી.

છ વર્ષની દીકરીનું ઘોડદોડ રોડ પર અંધજન શાળામાં એડમિશન લીધું અને શિક્ષણ આપવાનું શરૂૂ થયું. સવારે 11 થી 5 શાળાએ જાય અને ત્યારબાદ સંગીત ક્લાસમાં સૂરોનું જ્ઞાન મેળવે. જેણે દ્રષ્ટિ ન આપી તેણે સૂરોનું સરનામું આપીને જાણે જીવન બદલાવી નાખ્યું. ધીમે ધીમે વૃષ્ટિ સ્ટેજ કાર્યક્રમ કરવા લાગી. હાલ તે દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને સાથે-સાથે કાર્યક્રમો પણ આપે છે. ભણવામાં પણ અવ્વલ રહેતી દીકરી માટે માતા-પિતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને જાણે સાક્ષાત સરસ્વતીનો અવતાર ઘરમાં હોય એવું માનીને ડગલે ને પગલે દીકરીને સાથ આપે છે.

પિતા પરેશભાઈ વેકરિયાએ દીકરીના સંઘર્ષ બાબત જણાવ્યું કે દીકરીની સારવાર માટે અમે અનેક પ્રયત્નો કર્યા. જ્યારે કોઈ રસ્તો ન મળ્યો ત્યારે દીકરીની ખામી સાથે જ તેની જીવન યાત્રા ખીલવવાનું નક્કી કર્યું. દીકરી વૃષ્ટિ મલ્ટી ટેલેન્ટેડ છે. સંગીતમાં તો અવ્વલ છે જ પરંતુ મીમીક્રી પણ ખૂબ સારી કરે છે, બાંસુરી વગાડે છે, એન્કરિંગ કરે છે તથા કોઈપણ સ્ટેજ કાર્યક્રમમાં તે ચાર ચાંદ લગાવી દે છે

. અત્યાર સુધીમાં તેણીએ 150થી પણ વધુ જાહેર કાર્યક્રમો આપ્યા છે. તેનું સ્વપ્ન હતું કે તે જાણીતા સીંગર ગીતાબેન રબારી સાથે સ્ટેજ પરફોર્મન્સ આપે, જે સ્વપ્ન ગત મહિનામાં જ પૂરું થયું અને ગીતાબેન રબારી સાથે વૃષ્ટિએ એક કાર્યક્રમમાં સાથે ગીતો ગાયા. એક સમયે જેની ચિંતા હતી એ દીકરી આજે જ્યાં જાય છે ત્યાં અનેક માન-સન્માન મેળવે છે. આત્મનિર્ભર દીકરી હોવાના જીવંત ઉદાહરણ માટે પણ વૃષ્ટિનું નામ લેવાય છે અને સમાજના શ્રેષ્ઠીઓ શહેરના અગ્રણીઓ સહિત દરેક વ્યક્તિ વૃષ્ટિને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. દ્રષ્ટિ ન હોવા છતાં તે પોતાનું દરેક કામ જાતે કરે છે અને કોઈ ઉપર નિર્ભર રહેતી નથી અને દ્રષ્ટિ નથી તેનો જરા પણ અહેસાસ પોતે પણ નથી કરતી અને અમને પણ કરવા દેતી નથી. દીકરી વૃષ્ટિની આ સફર ખૂબ આગળ વધે, ખૂબ સફળતા મેળવે એ જ શુભેચ્છા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *