નર્મદા જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે આપ પાર્ટીની સરકાર બન્યા બાદ અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિજય યાત્રા અને કાર્યકર્તા સંમેલન યોજાયું
નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના અવસરે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભવ્ય ’વિજય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેને સંબોધતા અરવિંદ કેજરીવાલે 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરીને પોતાનું વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના લોકોએ અમને આટલો પ્રેમ આપ્યો અને સહકાર આપ્યો અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં સરકાર બનાવી એ બદલ હું આપ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે નર્મદા આવ્યો છું. અગાઉ રાજ્ય સ્તરે હોય કે જિલ્લા સ્તરે ગુજરાતમાં હંમેશા ફક્ત બે પાર્ટીઓની સરકાર બનતી હતી, કોંગ્રેસ અથવા તો બીજેપી. લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીની સત્તા આવવી શક્ય નથી. પરંતુ ગુજરાતમાં પહેલીવાર નર્મદા જિલ્લાના લોકોએ ત્રીજી પાર્ટીની એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. આદિવાસી ક્ષેત્રમાંથી જે ચિંગારી નીકળી છે એ આગળ વધશે અને આમ આદમી પાર્ટી 2027માં વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે.
વધુમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 30 વર્ષથી ભાજપના ભ્રષ્ટાચાર – દમન લોકો ભોગવી રહ્યા છે, ઈચ્છે એને ખોટા કેસમાં જેલમાં નાખી દે છે અને ડરાવે ધમકાવે છે, અને બીજેપી અને કોંગ્રેસ બંને આમાં મળેલા છે. આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર કોંગ્રેસ બીજેપીને સપોર્ટ કરી રહી છે. કોંગ્રેસ પાસે જ્યાં ઉમેદવાર નથી ત્યાં ભાજપ એને ઉમેદવાર આપી રહી છે. બંનેના એક સાથે વેપાર ધંધા ચાલે છે, બંનેના સંબંધો ચાલે છે, તો આ રીતે બંને અલગ અલગ પાર્ટી નથી પરંતુ બંને મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે. ફક્ત આમ આદમી પાર્ટી જ જનતા માટે લડત લડી રહી છે. આજે કોંગ્રેસના નેતાઓ જેલ નથી જતા પરંતુ તમારા નેતા ચૈતર વસાવા જેલમાં ગયા હતા. ચૈતર વસાવાને ઘણા દિવસ સુધી જેલમાં રાખ્યા હતા એના વિરોધમાં લોકોએ કડક તમાચો માર્યો છે.
આદિવાસી વિસ્તારના લોકોએ નર્મદામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની સરકાર બનાવીને. સંગીતાબેન અને અંજનાબેનને હું કહીશ કે આજે ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ તમને જોઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં જે આપણી સરકાર બની છે, તેમાં હવે આપણે ખૂબ જ સારું કામ કરવાનું છે, ઈમાનદારી સાથે કામ કરવાનું છે, લોકોની સેવા કરવાની છે, લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ પર ખરું ઉતરવાનું છે.
