લોકસંગીતની રખેવાળી વચ્ચે હાલરડાંનો સાદ

જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યકાર પદ્મશ્રી સ્વ.જોરાવરસિંહ જાદવના પુત્રી અને સુપ્રસિદ્ધ કલાકાર ખોડીદાસભાઈ પરમારના પુત્રવધૂ રાજેશ્રીબેન પરમાર બંને પરિવારનું નામ કરે છે ઉજળું છેલ્લા 35 વર્ષથી લોકસંગીતની…

જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યકાર પદ્મશ્રી સ્વ.જોરાવરસિંહ જાદવના પુત્રી અને સુપ્રસિદ્ધ કલાકાર ખોડીદાસભાઈ પરમારના પુત્રવધૂ રાજેશ્રીબેન પરમાર બંને પરિવારનું નામ કરે છે ઉજળું

છેલ્લા 35 વર્ષથી લોકસંગીતની જાળવણી કરી રહેલ રાજેશ્રીબેન પરમાર મોબાઈલ યુગમાં માતાઓને હાલરડાં શીખવવા પ્રયત્નશીલ છે

આજથી ચાર દાયકા પહેલાની વાત છે, અમદાવાદ જીએલએસ કોલેજનો ટેલેન્ટ શો હતો દરેક વિદ્યાર્થીઓ જુદા જુદા હિન્દી ગીતો રજૂ કરતા હતા અને વાહ વાહી મેળવતા હતા. આ બધા વચ્ચે પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલ એ યુવતી સ્ટેજ પર આવે છે અને હિન્દી ગીતોની વચ્ચે ગુજરાતી ગીત ’મારી સગી નણંદલના વીરા રૂૂમાલ મારો લેતા જાજો’ એ ગીત ગાય છે. સમગ્ર ટાઉન હોલ તાળીઓ અને ચિચિયારીઓથી ગુંજી ઊઠે છે.આ પળના સાક્ષી બનેલ પ્રોફેસર અને વિદ્યાર્થીઓને એ સમયે ખ્યાલ નહોતો કે આ વિદ્યાર્થિની દાયકાઓ પછી આગવી ઓળખ સાથે કલા અને લોકસંગીતના વારસાની જાળવણી કરશે.

આ વાત છે ગુજરાતી લોક સંસ્કૃતિને દીપાવનાર ભાવનગરના કલાકાર રાજેશ્રીબેન પરમારની. છેલ્લા 35 વર્ષથી માન, મર્યાદા અને પરંપરાને જાળવીને લગ્ન ગીતો,લોકગીતો, દુહા,છંદ,હાલરડાં, રાંદલ ગીતો વગેરેના કાર્યક્રમો આપે છે.તેમના પિતાજી એટલે ખૂબ જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યકાર, લોકકલાને વરેલા પદ્મશ્રી સ્વ.જોરાવરસિંહ જાદવ અને સસરા એટલે ચિત્રકલામાં મોટું નામ ધરાવતા ભાવનગરના સુપ્રસિદ્ધ કલાકાર ખોડીદાસભાઈ પરમાર.હાલ બંને પરિવારોનું નામ ઉજળું કરે છે રાજેશ્રીબેન પરમાર.

જન્મ અમદાવાદમાં થયો. અભ્યાસ કરતા વધુ રસ લોકસંગીતમાં હતો. માતા-પિતા બંનેએ દીકરીમાં સંસ્કાર સાથે પરંપરા અને સંસ્કૃતિ જાળવણીના ગુણો રોપ્યા. લોકસંગીતની કોઈ જ તાલીમ લીધી ન હોવા છતાં પણ વાતાવરણ એવું મળ્યું કે સાંભળી સાંભળીને શીખતા ગયાં. પિતાજીના કારણે લેખકો, કવિઓ, સાહિત્યકારોની ઘરમાં આવન-જાવન રહેતી તેમજ ઘરના આંગણે નટ, બજાણિયા, વાદી, મદારી, તુરિયા પોતાની કલા રજૂ કરતા. નાનપણમાં શાળામાં પ્રાર્થના, ગીતો વગેરે ગાતા ત્યારે પિતાજીને લાગ્યું કે દીકરી ગાવામાં કંઈક કરી શકે તેમ છે તેથી એ સમયમાં થતાં ઓરીજનલ ડાયરા સાંભળવા લઈ જતાં.

પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ, દમયંતીબેન બરડાઈ વગેરે સાથે ક્યારેક ગાવાનો મોકો પણ મળતો. પોતાની સૂરોની સાધનામાં પિતાજીનો મોટો ફાળો હોવાનું માનતા રાજેશ્રીબેન જણાવે છે કે છઠ્ઠા ધોરણમાં સરસપુરમાં આંબેડકર હોલમાં લોકગીત ગાયું. શાળા-કોલેજના કાર્યક્રમોમાં પર્ફોર્મ કરવાનું થતું, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કાર્યક્રમોમાં ગાવા માટે પણ પિતાજી પ્રોત્સાહિત કરતા, ઓર્કેસ્ટ્રા સાથે પણ ગાયું. પિતાજી કામથી થાકીને આવ્યા હોય છતાં લોકસંગીતના કાર્યક્રમોમાં લઈ જતાં તેમજ કાર્યક્રમોમાં પણ સાથે રહેતા. લગ્ન પછી પિતાજીની ભૂમિકા સસરાએ નિભાવી અને સતત આગળ વધવા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું.

રાજેશ્રીબેનના લગ્ન તેમના પિતાજીના પરમ મિત્ર ભાવનગરના કલાકાર ખોડીદાસભાઇ પરમારના પુત્ર અમૂલ પરમાર સાથે થયા છે.બંને પરિવાર કલા સાથે સંકળાયેલા છે અને આગવું નામ ધરાવે છે.તેમના પતિ અમૂલ પરમાર હાલ રિટાયર ટીચર છે, ફોટોગ્રાફી ક્ષેત્રે તેમની આગવી ઓળખ છે. દીકરી ઉપલેટા ભાલોડિયા કોલેજમાં પ્રોફેસર છે તો દીકરો સિનેમેટોગ્રાફર છે અને પુત્રવધૂ ફેશન ડિઝાઇનર છે આમ પરિવારમાં દરેક સભ્ય પોતાની અલગ આભા અને ઓળખ ધરાવે છે.રાજેશ્રીબેન સ્પેશિયલ ચાઇલ્ડને બાળગીતો શીખવે છે.સેવા કાર્યો કરે છે,કોલેજમાં લોકસંગીત વિશે લેકચર આપવા જાય છે. આજે કલાએ નામ, દામ, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા આપી છે તેનું શ્રેય પિતાજી, સસરા, પરિવારજનો અને કારકિર્દીમાં ડગલે ને પગલે સાથ આપનાર ગુરુ સમાન દમયંતીબેન બરડાઈને આપે છે.

એવોર્ડ અને સન્માન દરેક કલાકારને આગળ વધવાની ઉર્જા પૂરી પાડે છે ત્યારે રાજેશ્રીબેનને પણ અનેક એવોર્ડ સન્માન મળ્યા છે તેમનું સ્વપ્ન ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવવાનું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી આ એવોર્ડની રાહ જોઈ રહ્યા છે. લોકસંગીત માટે તેઓ તેના ખરા હકદાર છે ત્યારે આવનારા સમયમાં આ એવોર્ડ તેમના નામે જાહેર થાય એવી શુભેચ્છાઓ.

મોબાઈલ યુગમાં અદ્દશ્ય થયા છે હાલરડાં
રાજેશ્રીબેન ખૂબ દુ:ખ સાથે જણાવે છે કે આજના મોબાઇલના યુગમાં માતા ઘોડિયામાં જ મોબાઇલ ચાલુ કરીને મૂકી દે છે. વર્તમાન સમયના ચાવીવાળા ઘોડિયાએ માતા અને બાળકને એકબીજાથી દૂર કરી દીધા છે. જ્યારે પરિવારમાં એક ફૂલનું આગમન થાય છે ત્યારે તેને સરસ રીતે ઉછેરો, સંસ્કાર અને સમય આપો. માતૃત્વ ધારણ કરો છો ત્યારે બાળક માટે સમય આપવાની તૈયારી રાખો અને સંતાનો સાથે બને એટલું વધારે તાદાત્મ્ય સાધો.

માતા અને સંતાનોના સંબંધને મજબૂત બનાવે છે હાલરડાં
હાલરડાં બાબત તેઓએ જણાવ્યું કે હાલરડાંના ચાર પ્રકાર છે.
1.વાત્સલ્ય ભાવ અને બાળ પ્રશસ્તિના હાલરડા
2. રમત અને જોડકણા સ્વરૂૂપે હાલરડાં
3 સુવડાવવા માટે નિર્દોષ ડર દેખાડતા હાલરડાં
4 રામ,કૃષ્ણ બાળલીલાને વર્ણવતાં હાલરડા હાલરડાંના શબ્દો દ્વારા હૂંફ મળે, સંસ્કારનું સિંચન પણ થાય. પરાક્રમી રાજા હોય, ભગવાન કૃષ્ણ કે મહાવીર હોય તેમની માતાએ હાલરડાં દ્વારા જ બહાદુરી,હિંમત,નિડરતાના ગુણોનું સિંચન કર્યું છે. બે વર્ષ પહેલાં ઓપન ગુજરાત હાલરડાં સ્પર્ધા રાખી ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે 350 એન્ટ્રી આવી હતી અને ગુજરાતભરમાંથી લોકોએ ગુજરાતી હાલરડાં રજૂ કર્યા. મોરારીબાપુએ પણ આ કાર્યક્રમની સરાહના કરી હતી. અંતમાં ’વાહોલિયા તમે ધીરા રે વાજો’ ગાયું ત્યારે શ્રોતાઓની આંખમાં અશ્રુની ધારા વહી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *