અમેરિકામાં શટડાઉન દર્શાવે છે કે ટ્રમ્પ પોતાના રિપબ્લીકન સાંસદોનો વિશ્ર્વાસ ખોઇ બેઠા છે

અમેરિકામાં સાત વર્ષ પછી ફરી એક વાર શટડાઉન લાગુ થતાં આખી દુનિયાની મીટ અમેરિકા પર મંડાયેલી છે. શટડાઉનના કારણે અમેરિકાનું અડધું સરકારી તંત્ર ઠપ્પ થઈ…

અમેરિકામાં સાત વર્ષ પછી ફરી એક વાર શટડાઉન લાગુ થતાં આખી દુનિયાની મીટ અમેરિકા પર મંડાયેલી છે. શટડાઉનના કારણે અમેરિકાનું અડધું સરકારી તંત્ર ઠપ્પ થઈ ગયું છે કેમ કે લગભગ 7.50 લાખ સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા છે. અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારમાં 30 લાખની આસપાસ કર્મચારીઓ છે. તેમાંથી અત્યંત જરૂૂરી ના હોય એવી સેવાઓના 25 ટકા કર્મચારીઓને રજા પર ઉતારી દેવાતાં સંખ્યાબંધ સેવાઓ બંધ થઈ ગઈ છે.

શટડાઉનનું કારણ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિપક્ષ વચ્ચે સરકારી ખર્ચ ઘટાડવાના મુદ્દે પડી મડાગાંઠ છે પણ આ મડાગાંઠની વાત કરતાં પહેલાં શટડાઉન શું છે એ સમજવું જરૂૂરી છે અને તેના માટે અમેરિકાની સિસ્ટમને સમજવી જરૂૂરી છે.

ભારતમાં 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂૂ થાય છે પણ અમેરિકામાં નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂૂ થાય છે. મતલબ કે, 1 ઓક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધી નાણાકીય વર્ષ હોય છે. દરેક નાણાકીય વરસમાં સરકારી કર્મચારીઓને પગાર-ભથ્થાં સહિતના તમામ ખર્ચ માટેનું બિલ અમેરિકન કોંગ્રેસ (સંસદ)માં પાસ કરાવવું પડે છે. કોંગ્રેસ સરકારના અંદાજિત ખર્ચનું બિલ પાસ ના કરે તો સરકારી કર્મચારીઓને પગારની મંજૂરી ના મળે તેથી સરકારી સેવાઓ બંધ કરાવી દેવાય તેને શટડાઉન કહે છે.

અત્યારે એવી જ સ્થિતિ સર્જાઈ છે અને 1 ઓક્ટોબરથી મોટા ભાગની સરકારી સેવાઓ ઠપ્પ થઈ જતાં અમેરિકનો ઘાંઘા થઈ ગયા છે. શટડાઉન હેઠળ બધી સરકારી સેવાઓ બંધ રહેતી નથી પણ ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારની અનિવાર્ય ના હોય એવી ચોક્કસ સેવાઓ બંધ રહે છે. અનિવાર્ય સેવાઓમાં કામ કરતા કર્મચારીઓએ જખ મારીને કામ પર આવું પડે પણ તેમને પણ પગાર મળતો નથી. અમેરિકામાં કોઈ પણ ખર્ચ માટે કોંગ્રેસની મંજૂરી જરૂૂરી હોવાથી ટ્રમ્પ ભલે પ્રમુખ હોય પણ તેમની ચોટલી કોંગ્રેસના હાથમાં છે. અમેરિકાની કોંગ્રેસમાં સેનેટ અને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ એમ બે ગૃહ છે. આ પૈકી સેનેટમાં ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી સંપૂર્ણ બહુમતી ધરાવે છે જ્યારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં કટોકટ બહુમતી છે.

આ સંજોગોમાં ટ્રમ્પની પાર્ટીને બજેટ મંજૂર કરાવવામાં વાંધો ના આવે પણ અમેરિકામાં લોકશાહી બહુ મજબૂત છે તેથી સાંસદો ઘેટાંના ટોળાની જેમ પોતાની પાર્ટીના નેતાના ફરમાન પ્રમાણે વોટિંગ નથી કરતા પણ પોતાના સ્ટેટ અને લોકોનાં હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. ટ્રમ્પની પાર્ટીના જ કેટલાક સાંસદો ટ્રમ્પની ખર્ચમાં કાપ મૂકવાની દરખાસ્તની વિરુદ્ધ હોવાથી કોકડું ગૂંચવાયું છે. ટ્રમ્પે તેમને મનાવવા માટે સુધારા સાથેનાં બે બિલ બુધવારે રજૂ કરેલાં પણ ટ્રમ્પન પાર્ટીના જ સાંસદો ના માનતાં હવે ટ્રમ્પે નવો રસ્તો કાઢવો પડશે. ટ્રમ્પ શું રસ્તો કાઢશે એ ખબર નથી પણ અમેરિકામાં શટડાઉન નવી વાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *