રસ્તો રેસ માટે નહીં, જીવન માટે છે

રસ્તા પર દોડતું દરેક વાહન માત્ર એક વાહન જ નહીં, તેની અંદર કે ઉપર કોઈનું જીવન બેઠું છે. કોઈ પોતાનાં પરિવાર પાસે જઈ રહ્યું છે,…

રસ્તા પર દોડતું દરેક વાહન માત્ર એક વાહન જ નહીં, તેની અંદર કે ઉપર કોઈનું જીવન બેઠું છે. કોઈ પોતાનાં પરિવાર પાસે જઈ રહ્યું છે, તો કોઈ પોતાનાં સપના કે રોજીરોટી કમાવવા નીકળ્યું છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કારણથી જ રસ્તા પર વાહન સાથે સવાર થતી હોય છે. છતાં માત્ર થોડી અમથી ઉતાવળ, એક ખોટો ઓવરટેક કે સિગ્નલ તોડવું અને થોડો અહંકાર કે “મને કંઈ નહીં થાય” જેવી માનસિકતા, કોઈની આખી જિંદગી વીખી શકે છે. અકસ્માત ભલે અચાનક થાય, પરંતુ તેની પાછળની ભૂલ આપણાં જ હાથમાં હોય છે.

ટ્રાફિક નિયમો આપણને રોકવા માટે નથી, પરંતુ આપણને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા માટે છે. પોલીસ આપણને રોકે કે નહીં, પરંતુ આપણે જ આપણી કે બીજાની જિંદગી સાથે ખિલવાડ કરવાની મહા ભૂલ કરી બેસીએ છીએ. દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે. તેમજ રસ્તા પર દરેકને સુરક્ષિત રીતે આગળ વધવાનો અધિકાર પણ છે. ફક્ત આટલી વાત સમજી લેશું તો આપણે જ પોલીસનાં ડરથી નહીં, પણ જવાબદારી સમજીને નિયમોનું પાલન જરૂૂર કરીશું.

મોટાભાગનાં લોકો માત્ર ટ્રાફિક નિયમોને ચલણ કે દંડ સાથે જોડે છે. પોલીસ જોશે તો જ કાયદાનો અમલ કરશે. અરે, કોઈ જોશે કે નહીં, પણ આપણે ખુદ પોતાને તો જોઈ રહ્યા છીએ કે નહીં? લાલ સિગ્નલ પર બે મિનિટ ઊભાં રહેવામાં આપણને મોડું થાય છે, પરંતુ અકસ્માત પછી હોસ્પિટલમાં કલાકો કે મહિનાઓ પસાર થઈ શકે છે. કોઈ એકની ભૂલનો ભોગ ઘણીવાર નિર્દોષ વ્યક્તિ બને છે. ઝડપથી દોડતો વાહન ચાલક કદાચ પાંચ જ મિનિટ વહેલો પહોંચી શકે છે, પરંતુ તેની ભૂલથી સામેની વ્યક્તિનું આખું જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે અથવા તેનાં જીવનનો સૂરજ પણ આથમી શકે છે.

સૌથી પહેલાં આ બદલાવ પોતાની અંદરથી લાવવો જરૂૂરી છે. ટ્રાફિક વ્યવસ્થાને જાળવવી એ આપણી જવાબદારી છે, નહીં કે પોલીસની. કારણ કે આ કાયદો આપણને સુરક્ષિત ઘરે પહોંચાડવા માટે છે. થોડાં થોડાં અંતરે ગતિમર્યાદાનાં બોર્ડ લાગેલા હોય છે. છતાં બેજવાબદાર વ્યક્તિ તરીકે રોડ પર વાહન ચલાવવું એ મૂર્ખામી કે જોખમભર્યું પગલું છે. રસ્તા પર ઘણાં લોકો મોબાઈલનો ઉપયોગ કરતી વખતે બેલેન્સ ગુમાવી બેસે છે. શું પહેલાં આ ગેજેટ્સ નહોતું તો કામ અટકી પડતાં હતાં?? થોડી મિનિટો પછી પણ વાત થઈ શકે છે અથવા વાહન સાઈડમાં લઈને પણ વાત થાય જ છે. જો આજે સુવિધા છે તો સમજદારીપૂર્વક ઉપયોગ પણ થઈ શકે છે.

બેદરકારીથી રસ્તા પર ચાલવું કે વાહનો ચલાવવામાં જરા પણ ડહાપણ નથી. વાહનો ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો, સીટ બેલ્ટ પહેરવો, રોંગ સાઈડ વાહનો ન ચલાવવા કે રોંગ સાઈડ ઓવરટેક ન કરવું જેવા અનેક નિયમો ફક્ત ને ફક્ત આપણી સુરક્ષા જ બક્ષે છે. છતાં હોંશે હોંશે આપણે આ નિયમોનું ઉલ્લંઘન કરીએ જ છીએ. રસ્તા પર ઈન્ડિકેટર વગર જ રોડક્રોસ કરવો કે જ્યાં ત્યાં પાનની પિચકારી મારવા ઊભું રહેવું જેવા અનેક લાપરવાહીભર્યા કામ આપણે કરીએ છીએ. પરિણામે ઘણીવાર મોટી જાનહાનિ પણ થઈ શકે છે.

ભારતમાં રહીને વિદેશોના વખાણ કરનાર વ્યક્તિઓ પોતે જ રસ્તાઓ ગંદા કરતાં કે નિયમોનું ઉલ્લંઘન કરતાં અચકાતા નથી અને વિદેશોના કાયદાનાં વખાણ કરે છે. જરા તમે પણ શુભ શરૂૂઆત તો કરો, જો દરેક કાયદાનાં ઉલ્લંઘન બદલ તમને આકરી સજા થવા લાગશે તો તમે ઘરે નહીં પણ કાયમી જેલમાં જ હશો એ સત્ય છે. આપણી સરકાર કાયદાને સખત બનાવે કે નહીં, એ ઝંઝટમાં પડવા કરતાં આપણે ભારત માટે શું કરી શકીશું, આટલું જ જાણીએ તો પણ ઘણું છે. અંતમાં, હવે સિગ્નલ લાલ લાઈટ આપે ત્યારે વાહનને માત્ર બ્રેક ન આપતાં તમારી ઉતાવળને પણ બ્રેક મારજો. ઝડપ ઘટાડીએ અને જીવનની કિંમત સમજીએ. સલામત પહોંચવું અને પહોંચાડવું એ જ સાચું જીવન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *