ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં તાજેતરમાં લેવાયેલી એક આંતરિક ટેકનિકલ પરીક્ષામાં એક ઉમેદવારને માઇનસ માર્ક મળ્યા છે તો અન્યને ઓછા ગુણ મળ્યા હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે. કેટલાક ઉમેદવારોનું પણ લાયકાતનું ધોરણ કથળી ગયું હોવાનું પરિણામો દર્શાવે છે, તેમ છતાં તેમને મેટ્રો ચલાવવા માટેનું સુકાન સોંપાય તો મુસાફરોની સુરક્ષા સામે ખતરો સર્જાઇ શકે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે.
યુવરાજસિંહે GMRCL દ્વારા તાજેતરમાં લેવાયેલી ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સની પરીક્ષાના પરિણામની વિગતો જાહેર કરી છે. તેમાં દર્શાવાયું છે કે એક ઉમેદવારને મુખ્ય ટેકનિકલ વિષય ટ્રેન ઓપરેટર-સ્ટેશન કંટ્રોલરમાં -1.25 ગુણ મળ્યા છે. તેમ છતાં બીજા સેકશન ગુજરાતી ભાષાના પાસિંગના જોરે તેને આગળની પ્રક્રિયામાં સામેલ કરાયો છે. તો ગુજરાતી વિષયમાં સિંગલ ડિજિટમાં (9.75) માર્ક્સ મેળવનારા ઉમેદવારો પણ પાસ થઈને આગળની પ્રક્રિયા માટે લાયક ઠર્યા છે. હાઈસ્પીડ ટ્રેન ચલાવનારા ઓપરેટરો, જુનિયર ઇજનેરો અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયનની ભરતીમાં લાયકાતનું સ્તર ચિંતાજનક હદે નીચે ગયું છે. તેના કારણે આવા ઉમેદવાર ટ્રેન દોડાવવા અપાય તો મેટ્રોમાં મુસાફરોની સુરક્ષા રામભરોસે થઇ શકે છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એચઆર અને ભરતી વિભાગ દ્વારા લઘુતમ પાસિંગ માર્ક્સના કોઇ ચોક્કસ નિયમ ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઇ છે. હાલ મેટ્રોના વડા મુખ્યમંત્રીના સલાહકાર તરીકે અન્ય જવાબદારીઓ પણ સંભાળી રહ્યા હોવાથી સંવેદનશીલ બાબતો પર પૂરતું ધ્યાન અપાતું નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મેટ્રોમાં કાયમી એમડીનો અભાવ, કેટલાક કર્મચારીઓ જતા રહ્યા હોવાના કારણ પણ જવાબદાર છે.
