જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહમાં ચિક્કાર જનમેદની : વિપક્ષનું નામ લીધા વગર કર્યા આકરા પ્રહાર
એક સમય હતો, ગુજરાત માત્ર મીઠું પકવતું રાજ્ય કહેવાતુ હતું પણ આજે વિકાસની હરણફાળ ભરી છે, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને યુવાનોની ક્ષમતા સમગ્ર દેશ માટે ગૌરવની વાત : વડાપ્રધાન
બિહાર સહિત ચાર રાજ્ય ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કમળ સોળે કળાએ ખિલ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી માદરે વતન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. ગઈકાલે રવિવારે જામનગરમાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે સોમવારે સોમનાથ વિરાસત મહોત્સવમાં સહભાગી થવા રવાના થયા હતાં. એ પૂર્વે ગત રાત્રે જામનગર એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી ટૂંકો રોડ-શો અને બાદમાં યોજાયેલી અભિવાદન સમારોહ સભામાં વડાપ્રધાને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જવલંત વિજય બદલ સૌ ગુજરાતની જનતાનો આભાર વ્યકત કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતીઓએ ફરી એક વખત લોકશાહીમાં પોતાનો વિશ્ર્વાસ મજબૂત રીતે વ્યકત કર્યો છે. આ સાથે તેમણે ગુજરાતના વિકાસને દોહરાવતા એવી લાગણી વ્યકત કરી હતી કે, એક સમય હતો કે ગુજરાત માત્ર મીઠુ પકવતું રાજ્ય કહેવાતું હતું પણ આજે વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને યુવાનોની ક્ષમતા સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અન્ય પદાધિકારીઓ તથા અન્ય આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જનતાને સંબોધતા સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં મળેલી જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મળેલી જીતનો આનંદ માત્ર ત્યાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો હરખ ગુજરાતીઓએ પણ અનુભવ્યો છે. સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને બંગાળની પ્રજાએ કમાલ કરી દીધી છે. વડાપ્રધાને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કરતાં હળવી ટિપ્પણી સાથે પૂછ્યું હતું કે, ચૂંટણીનો થાક તો લાગ્યો નથી ને? ત્યારબાદ તેમણે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ગુજરાતીઓએ ફરી એક વખત લોકશાહીમાં પોતાનો વિશ્વાસ મજબૂત રીતે વ્યક્ત કર્યો છે.
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગુજરાત માત્ર મીઠું પકાવતું રાજ્ય કહેવાતું હતું, પરંતુ આજે ગુજરાત સેમિક્ધડક્ટર, વિમાનના પાર્ટ્સ અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહ્યું છે. તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને યુવાનોની ક્ષમતાને દેશ માટે ગૌરવની બાબત ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની ઐતિહાસિક વાતને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પંચોત્તર વર્ષ પહેલાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું કાર્ય શરૂૂ કરાવ્યું હતું અને હવે આ ઐતિહાસિક પ્રસંગને પંચોત્તર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસરે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.
ગુજરાત સૌર ઉર્જાનું કેપીટલ, સૌર ક્રાંતિમાં સમગ્ર દેશમાં લીડ લીધી : મોદી
પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ સંબંધિ એક મહત્વનો પોઈન્ટ વડાપ્રધાને જામનગરની સભા દરમિયાન ચર્ચામાં લીધો હતો. તેમણે કહ્યું હતું કે, દુનિયા આજે પર્યાવરણની ચિંતા કરી રહી છે. ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ એવું રાજ્ય હતું કે, જેમણે કલાઈમેટ મંત્રાલયની સ્થાપના કરી હતી. સૌર ઉર્જા ક્રાંતિમાં ગુજરાત કેપિટલ બન્યું છે. આ ગાથા છેલ્લા 20 થી 25 વર્ષમાં લખાય છે.
પીડા બંગાળમાં હતી પણ તેની વેદના ગુજરાતના ભાઈઓ બહેનોને પણ હતી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બંગાળમાં 50 વર્ષનો ખાડો બહુ મોટો છે. પણ તે ભરપાઈ કરીને બંગાળને દોડતું કરીશું. મોદીએ વિપક્ષનું નામ લીધા વગર એવો ટોણો માર્યો હતો કે, જેમની પાસે કોઈ વિઝન જ નથી એ નકારાત્મકને વરેલા છે. પણ આજની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે.
બંગાળમાં ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું છે
બંગાળના ઐતિહાસિક વિજય અને પરિવર્તનનો સંપૂર્ણ શ્રેય કાર્યકર્તાઓને આપતાં વડાપ્રધાને કહ્યું હતું કે, બંગાળમાં ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું છે. બંગાળમાં આવેલા પરિવર્તનની નોંધ સમગ્ર વિશ્ર્વએ લીધી છે. બંગાળના સેંકડો હજારો કાર્યકર્તાઓની વર્ષો જુની મહેનત, તપશ્ર્ચર્યા ફળી છે.
પશ્ર્ચિમ બંગાળની દીકરીએ બનાવેલ પેન્સિલ પોર્ટ્રેટ બન્યું આકર્ષણનું કેન્દ્ર
જામનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ શહેરમાં ભારે ઉત્સાહનુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ અવસરે પશ્ચિમ બંગાળની આવરી નામની દીકરીએ વડાપ્રધાનશ્રીનું સુંદર પેન્સિલ પોર્ટ્રેટ બનાવી પોતાની કલાની પ્રતિભા વ્યક્ત કરી હતી. લાલબંગલો સર્કલ ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના અભિવાદન સમારોહમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેલી યુવતીએ હાથથી તૈયાર કરેલું સ્કેચ રજૂ કરતાં લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું હતું. વડાપ્રધાનશ્રી પ્રત્યેનો લાગણીસભર સન્માન અને દેશપ્રેમ યુવતીની આ કૃતિમાં ઝળહળી ઊઠ્યો હતો.
બંગાળી બહેનોએ પરંપરાગત સાડી, શંખનાદ અને દુર્ગા મૈયાના જયઘોષ સાથે સર્જ્યો ભવ્ય માહોલ
જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન કાર્યક્રમ દરમિયાન બંગાળી સમાજનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. ખાસ કરીને બંગાળી સમાજની મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહી સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. બંગાળી સમાજની બહેનોએ ખાસ પરંપરાગત બંગાળી સાડી પહેરી પોતાની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાની સુંદર ઝલક રજૂ કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ સમૂહમાં ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમ દરમિયાન સૌએ એકસાથે શંખનાદ કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગોથી ભરી દીધું હતું.
