જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે હીરોના શોરૂૂમ સુધીનો રસ્તો છેલ્લા ત્રણ મહિનાથી બનાવવામાં આવી રહ્યો હતો. નવરાત્રી દરમિયાન પણ રસ્તો ખુલ્લો ન કરાતાં લોકોની મુશ્કેલીઓ વધી હતી. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી હોવા છતાં અને રસ્તો બની ગયાના પાંચ દિવસ બાદ પણ મહાનગરપાલિકા દ્વારા વાહનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો ન મૂકાતાં વાહનચાલકોને ડાયવર્ઝનના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
રસ્તાનો ક્યોરિંગ પિરિયડ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો ન કરાતાં ટ્રાફિકની સમસ્યાથી પીડાતા લોકોની મુશ્કેલીઓ વધી રહી હતી. આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, સમયમર્યાદા પૂર્ણ થવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે વિપક્ષ અને કોંગ્રેસ પરિવારના અગ્રણીઓએ જાતે જ મજેવડી દરવાજા પાસેનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી તેનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢના શાસકોને ભ્રષ્ટાચારમાંથી ફુરસદ નથી અને સામાન્ય પ્રજાની પીડા સમજવાનો પણ સમય નથી. રસ્તાઓ બંધ રહેવાને કારણે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન લોકોની હાલાકી દૂર થાય અને વાહનવ્યવહાર સરળ બને તે હેતુથી વિપક્ષ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.
જૂનાગઢમાં રસ્તાના કામ અને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની સમયમર્યાદાને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓનાં અલગ-અલગ નિવેદનો સામે આવતાં વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, 20 તારીખે રસ્તો બનાવવામાં આવ્યો હોવાથી 15 દિવસનો ક્યુરિંગ પિરિયડ રાખવાનો હોય તો 31 દિવસના મહિનાને ધ્યાનમાં લેતાં આજે 4 તારીખે આ સમયમર્યાદા પૂર્ણ થતી હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું હતું.
