અમેરિકા-ઇઝરાયેલેે આરંભ કરેલું ઇરાન સામેનું યુધ્ધ હોળીના તહેવારોમાં બહુ રંગપલટા કરવા લાગ્યું છે અને વધુમાં વધુ દેશો આ ભીષણ યુધ્ધના ચકરાવામાં તણાવા લાગ્યા છે. નવા ઘટનાક્રમ પ્રમાણે સો જેટલા સૈનિકો ધરાવતું ઇરાનિયન નૌકાસેનાનું યુધ્ધ જહાજ શ્રીલંકા નજીકના અરબી સમુદ્રમાં ડુબી જતા યુધ્ધના તરંગો પર્શિયન અખાતની બહાર પહોંચ્યા છે. આ ઇરાની જહાજ હતુ જેને અમેરિકી સબમરીને ડુબાડી દીધું છે. 87 સૈનિકો માર્યા ગયાની પુષ્ટિ થઇ છે અને શ્રીલંકન નેવીએ 80 સૈનિકોના મૃતદેહો હસ્તગત કર્યા છે.ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ખતરનાક બની રહ્યું છે.
ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનમાં ઘૂસીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામનેઈને ઉડાવી દીધા પછી ભૂરાંટા થયેલા ઈરાને સઉદી અરેબિયા સહિતના દેશો પર મિસાઈલમારો શરૂૂ કરીને તબાહી મચાવવા માંડી છે. સામે ઈઝરાયલ પણ મચ્યું છે અને ઈરાનની સાથે સાથે લેબેનોન પર પણ બોમ્બમારો શરૂૂ કરી દીધો છે.અમેરિકા અને ઈઝરાયલે અત્યાર સુધી ઈરાનના 1000થી વધુ ઠેકાણાં પર હુમલા કરીને 2000થી વધુ બોમ્બ ઝીંક્યા છે. આ બોમ્બમારામાં સત્તાવાર રીતે 742 લોકોનાં મોત થયાં છે પણ મોતનો આંકડો વધારે હોઈ શકે છે કેમ કે ઈરાનમાં અંદર જઈને ખરેખર કેટલી તબાહી થઈ છે એ જાણવું અશક્ય છે. ઈરાન પણ ચૂપ નથી અને ઈઝરાયલ ઉપરાંત અમેરિકાના સાથી એવા ડઝનથી વધારે આરબ દેશો પર મિસાઈલો ઠોકવા માંડી છે. અમેરિકાએ હુમલામાં પોતાના ત્રણ સૈનિકો માર્યા ગયા હોવાનું સ્વીકાર્યું છે પણ અમેરિકાના કિસ્સામાં પણ વાસ્તવિક નુકસાન વધારે હોઈ શકે છે.
ઈરાને અમેરિકા તથા તેના સાથીઓનું નાક દબાવવા હોર્મુઝની ખાડી પણ બંધ કરી દીધી છે. અમેરિકાનો દાવો છે કે, ઈરાન ટાઢા પહોરનું ગપ્યું મારે છે અને હોર્મુઝની ખાડીમાંથી બેરોકટોક જહાજો પસાર થાય જ છે પણ અત્યારે જે રિપોર્ટ છે એ પ્રમાણે, ક્રૂડ ઓઈલનાં 700 જેટલાં તોતિંગ ટેન્કર અટવાઈ ગયાં છે તેથી ઈરાનની વાત સાચી લાગે છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ છાતી ઠોકીને સરકારી ટીવી પર હુંકાર કર્યો છે કે, હવે પછી કોઈ જહાજને આ માર્ગેથી પસાર નહીં થવા દેવાય અને છતાં કોઈ દોઢડાહ્યું થશે તો તેને ઉડાવી દઈશું.
આપણે ઈચ્છીએ કે એવું જ થાય ને ઈરાન અમેરિકા-ઈઝરાયલનું નાક દબાવીને મોં ખોલાવવામાં સફળ થાય કેમ કે યુદ્ધ કોઈના ફાયદામાં નથી. અમેરિકા પોતાની લશ્કરી અને આર્થિક તાકાતના મદમાં મત્ત છે ને ઈરાનને કટ્ટરવાદનો કેફ છે તેથી બંને જંગે ચડ્યા છે પણ આ બે આખલાની લડાઈમાં દુનિયાના ભારત સહિતના શાંતિપ્રિય દેશોનો ખો નીકળી રહ્યો છે. ચાર દિવસના યુદ્ધે એક વાત સાબિત કરી જ દીધી છે કે, ઈરાન વેનેઝુએલા નથી કે અમેરિકા મનફાવે એ રીતે વર્તી શકે. અમેરિકા-ઈઝરાયલ ઈરાનને ચાર દિવસમાં મસળી નાખશે એવી વાતો થતી હતી પણ ઈરાને સાબિત કરી દીધું છે કે, તેને ઝડપથી નમાવી -શકાય તેમ નથી એ જોતાં યુદ્ધવિરામ સૌના ફાયદામાં છે.
