બેફામ સ્પીડે દોડતા ડમ્પર અને ટ્રક ચાલકોનો ત્રાસ, મોતના મુખમાં હોમાતા નિર્દોષ નાગરિકો

રંગીલું શહેર ગણાતું રાજકોટ શહેર છેલ્લા કેટલાક સમયથી માર્ગો રક્તરંજિત બની રહ્યું છે. શહેરી વિસ્તારો અને હાઈવે પર કાળ બનીને દોડતા ડમ્પર અને ટ્રક ચાલકો…

રંગીલું શહેર ગણાતું રાજકોટ શહેર છેલ્લા કેટલાક સમયથી માર્ગો રક્તરંજિત બની રહ્યું છે. શહેરી વિસ્તારો અને હાઈવે પર કાળ બનીને દોડતા ડમ્પર અને ટ્રક ચાલકો બેફામ ગતી અને બેદરકારીના કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. આ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક લોકો કાયમી ધોરણે વિકલાંગતા ભોગવી રહ્યા છે. દિન-પ્રતિદિન વકરતી આ સમસ્યાને લીધે રાજકોટના નાગરિકોમાં ગંભીર ભય અને તીવ્ર રોષની લાગણી જન્મી છે. ટ્રાફિક પોલીસની ઢીલી નીતિ અને મીઠી નજરને કારણે રાજકોટમાં ડમ્પરો અને ટ્રક ચાલકોનો બેફામ ત્રાસ વધી રહ્યો છે અને જેનો ભોગ નાગરિકો બની રહ્યા છે. અકસ્માતમાં મોતના મુખમાં હોમાતા નિર્દોષ નાગરિકો સામે તંત્રના મૌન બની તમાશો જોઈ રહ્યું હોય ત્યારે પોલીસ સામે જનરોષ બુલંદ થઇ રહ્યો છે.

રાજકોટ આસપાસ હાઇવે ઉપર અકસ્માતના આંકડા વધવા પાછળના મુખ્ય કારણો શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત સંચાલન પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જે રાજકોટની ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલે છે, તેમજ ઓવરસ્પીડિંગ અને બેદરકારીને કારણે રાત્રિના સમયે અથવા વહેલી સવારે જ્યારે માર્ગો ખુલ્લા હોય છે, ત્યારે ડમ્પર ચાલકો મર્યાદા કરતાં વધુ ઝડપે વાહનો ચલાવે છે.

બીજી તરફ નો-એન્ટ્રીના નિયમોનો પણ ડમ્પર અને ટ્રક ચાલકો ભંગ કરે છે. પીક અવર્સ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, તેનું કડક પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ રહી છે. ઉપરાંત ક્ષમતા કરતાં વધુ માલ-સામાન, રેતી અને કપચી ભરીને ઓવરલોડ દોડતા ડમ્પરો પર બ્રેક મારતી વખતે કાબૂ મેળવવો અશક્ય બની જાય છે.જેના કારણે પણ અકસ્માત વધી રહ્યા છે. શહેર જોડતા હાઈવે ઉપરના રિંગ રોડ, બાયપાસ અને હાઈવેને જોડતા મુખ્ય માર્ગો ઉપર પૂરતું પોલીસનું ચેકિંગ ન હોવાથી ચાલકો બિનધાસપણે નિયમો તોડે છે. રાજકોટ-અમદાવાદ હાઈવે, રાજકોટ-મોરબી રોડ તેમજ રિંગ રોડ જેવા અત્યંત વ્યસ્ત માર્ગો પર ભારે વાહનોનો ત્રાસ સૌથી વધુ છે. ખાસ કરીને નાકરાવાડી, બેડી ચોકડી, અને માધાપર ચોકડી જેવા વિસ્તારો જાણે ડેન્જર ઝોન બની ગયા છે. આ વિસ્તારોમાં અવારનવાર સર્જાતા ભયાનક અકસ્માતોને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો રસ્તો ક્રોસ કરતી વખતે પણ ફફડાટ અનુભવે છે.

ગઈકાલે રાતે કાગદડી નજીક માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને ઉલાળીયા બાદ કચડી નાંખતા બાઈક ચાલક પશુપાલક યુવકનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાછકપર બેડી ગામે રહેતો અશોક બુટાભાઈ ફાંગલીયા (ઉ.વ.21) નામનો યુવક ગત રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી બાઈક લઈને નીકળી કાગડદી ચોકડી નજીક ચા પીવા જતો હતો. ત્યારે કાગદડી પાટિયા પાસે પહોંચતા પાછળથી આવતા પૂરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો અને ટ્રકના તોતિંગ વહીલ યુવક પર ફરી વળ્યાં હતાં.

ભૂતકાળમાં બનેલા અન્ય જીવલેણ અકસ્માતના બનાવોમાં રાજકોટ આસપાસ હાઇવે ઉપર બનેલા જીવલેણ અકસ્માતના બનાવોમાં રાજકોટ-મોરબી રોડ (સપ્ટેમ્બર 15, 2026)ના જગાતનાકા નજીક ટ્રક-ટ્રેલર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રાફિક જામ થયો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, તેમજ રાજકોટ-અમદાવાદ હાઇવે કુવાડવા નજીક બેટી રામપર આસપાસ ભૂતકાળમાં કાર, ટ્રક અને અન્ય વાહનો વચ્ચે ગંભીર અકસ્માતો સર્જાયા હતા. લોધિકા હાઇવે પર બીએમડબલ્યુ અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમજ રાજકોટ બેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ડ્રાઇવરોને સામાન્ય ઇજાઓ થઈ હતી.જયારે રાજકોટના માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે આ અકસ્માત થયો હતો, આ ગોજારા અકસ્માતમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માતમાં રિક્ષા ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી.

પોલીસ દંડ વસૂલવામાં વ્યસ્ત? ડમ્પર-ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ
ટ્રાફિક પોલીસનું મુખ્ય ધ્યાન હેલ્મેટ, લાયસન્સ કે સીટબેલ્ટ જેવા નાના નિયમો ભંગ કરનાર સામાન્ય વાહનચાલકો પાસેથી દંડ વસૂલવા પર જ રહે છે, પરંતુ કાળમુખા ડમ્પર અને ટ્રક ચાલકો સામે નક્કર ગ્રાઉન્ડ એક્શન લેવામાં નિષ્ફળતા દેખાય છે. રાજકોટ આસપાસ બનતા લોહિયાળ અકસ્માતો રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક અને તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે જેથી અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય જેમ કે,ઓવરસ્પીડિંગ કે ઓવરલોડિંગ કરતા ડમ્પર ચાલકો સામે ભારે દંડ ફટકારી, રીઢા ચાલકો સામે અગાઉ અકસ્માતના ગુના નોંધાયા હોય તેવા ચાલકોના લાયસન્સ કાયમ માટે રદ કરવા જોઈએ. અકસ્માત સંભવિત ’બ્લેક સ્પોટ્સ’ પર 24 કલાક મોનિટરિંગ માટે સ્પીડ ગન અને સીસીટીવી કેમેરા ગોઠવી ઈ-ચલાન ફાડવા. રાત્રિ કે વહેલી સવારે ડમ્પર ચાલકો નશાની હાલતમાં વાહન ન ચલાવે તે માટે ઓચિંતા ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવા. નો-એન્ટ્રી અને ગતિ મર્યાદાનું પાલન કરાવવા માટે વ્યસ્ત સમયે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અને સ્પીડ ગવર્નરનું કડક ચેકિંગ કરવું.નાગરિકોની સુરક્ષા એ તંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. જો ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક ધોરણે આ દિશામાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જનઆક્રોશ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *