શહેરમાં કસ્તુરબા રોડ પર ધરમ સિનેમા સામે છેલ્લા 30 વર્ષથી જય મદ્રાસ કાફે નામથી ચાલતાં રેસ્ટોરન્ટમાં આરોગ્ય શાખાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ખીરૂ વાસી હોવાનું કહી રેસ્ટોરન્ટને સીલ મારી સંચાલક દંપતિને પ્ર.નગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટને સીલ લાગતાં હોટલ સંચાલકની પત્નીએ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વકફ બોર્ડની માલિકીની 30 વર્ષથી ભાડે રાખેલી દુકાન ખાલી કરાવવા ટ્રસ્ટીઓ અવારનવાર હેરાન કરી ચેકીંગ કરાવતાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા શિવાલય-4માં રહેતાં અને કસ્તુરબા રોડ પર ધરમ સિનેમા સામે જય મદ્રાસ કાફે નામે રેસ્ટોરન્ટ ચલાવતાં આરોગ્યદાસ ક્રિશ્ર્ચનની પત્ની મેરીસ્ટલા આરોગ્યદાસ ક્રિશ્ર્ચન (ઉ.55) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના રેસ્ટોરન્ટ ખાતે હતાં ત્યારે ઝેરી પ્રવાહી પી લીધું હતું. રેસ્ટોરન્ટ સંચાલક મહિલાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આરોગ્યદાસ ક્રિશ્ર્ચન પ્રાથમિક સારવાર લઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર રેસ્ટોરન્ટ સંચાલક મહિલાની પુત્રી લોરેન્સ ક્રિશ્ર્ચને જણાવ્યું હતું કે તેના પિતા છેલ્લા 30 વર્ષથી ધરમ સિનેમા સામે આવેલ વકફ બોર્ડની માલિકીની દુકાન ભાડે રાખી જય મદ્રાસ કાફે નામે રેસ્ટોરન્ટ ચલાવે છે. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સંતાનમાં ત્રણ પુત્રી છે. વકફ બોર્ડની રૂા.20 હજાર લેખે ભાડે રાખેલી દુકાન ખાલી કરાવવા ટ્રસ્ટીઓ અવારનવાર હેરાન પરેશાન કરે છે અને જે અંગે તેમણે ગાંધીનગર વકફ બોર્ડમાં ફરિયાદ કરી હતી. જેમાં હોટલ સંચાલકની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. તેમ છતાં ટ્રસ્ટીઓ અવારનવાર પરિવારજનો અને સંબંધીઓને રેસ્ટોરન્ટમાં મફત જમાડવા આવે છે.
અગાઉ ટ્રસ્ટીઓએ પીજીવીસીએલનું ચેકીંગ કરાવડાવી વીજ કનેકશન રદ કરાવ્યું હતું. બાદમાં રેસ્ટોરન્ટ સંચાલક જનરેટર ઉપર ધંધો ચલાવતો હતો. જે અદાવતમાં ટ્રસ્ટીઓ દ્વારા અવારનવાર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ કરાવે છે. ગઈકાલે આરોગ્ય વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં તાજુ બનાવેલું ખીરૂ વાસી હોવાનું કહી રેસ્ટોરન્ટને સીલ મારી રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જેથી કંટાળી રેસ્ટોરન્ટ સંચાલકની પત્નીએ ઝેરી પ્રવાહી પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
