કોમર્શિયલ ગેસની અછતને કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ પર લટકતી કોરોના જેવી સન્નાટાની તલવાર: બેંગ્લોરમાં હોટેલ- રેસ્ટોરન્ટની પ્રતીક હડતાલ જડબેસલાક રહી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. જો એલપીજીની સપ્લાય ટૂંક સમયમાં જ સામાન્ય નહીં થાય તો આગામી 2 દિવસોમાં શહેરના અનેક રેસ્ટોરન્ટ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ પડી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય અને ડિલિવરીમાં મોડું થવાથી પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. આને કારણે ભારતીય પ્રવાસન ઉદ્યોગ પર ગંભીર ખતરો ઉભો થયો છે.
બેંગાલુરૂૂ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે જો ગેસનો પુરવઠો તાત્કાલિક પુન:સ્થાપિત કરવામાં નહીં આવે, તો શહેરની હજારો રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની દુકાનો 10 માર્ચથી બંધ કરી દેવામાં આવશે. એસોસિએશનના જણાવ્યા મુજબ, અચાનક જ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આનાથી માત્ર હોટેલ માલિકો જ નહીં, પરંતુ દરરોજ બહાર જમતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને સામાન્ય નાગરિકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી 2 દિવસોમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટને બંધ કરવી પડી શકે છે. અત્યાર સુધી એસોસિએશનના અંદાજિત 10 થી 20 ટકા મેમ્બર્સને ગેસ સપ્લાયમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં રિફિલિંગ માટે 2 થી 8 દિવસ સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ગેસ ડીલરોનું કહેવું છે કે રવિવારથી કોમર્શિયલ સપ્લાય લગભગ ઠપ જેવો છે, જેના કારણે રેસ્ટોરન્ટ માલિકો હવે કાળાબજારમાં મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં તો ગેસની અછતના કારણે ગેસ આધારિત સ્મશાનગૃહો પણ કામચલાઉ ધોરણે બંધ કરી દેવા પડ્યા છે. મુંબઈના રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે, તેમને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર નથી મળી રહ્યા.
દક્ષિણ ભારતના ચેન્નાઈમાં પણ હોટેલ એસોસિએશને સરકારને પત્ર લખીને જાણ કરી છે કે જો ગેસ નહીં મળે તો પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગને મોટું નુકસાન થશે. તમિલનાડુ ઉપરાંત પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસનો પુરવઠો મર્યાદિત કરી દીધો છે. સરકાર હાલમાં ઘરેલું (ડોમેસ્ટિક) ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપી રહી છે જેથી સામાન્ય લોકોના ઘરના ચૂલા ચાલુ રહે.
