ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વેને 121 રને હરાવીને શ્રેણી કરી કબજે

હરમનપ્રિતે 121 બોલમાં 126 અને દિપ્તી શર્માએ 86 બોલમાં 106 રન ફટકાર્યા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખીને બીજી વનડે મેચમાં ઝિમ્બાબ્વેને…

હરમનપ્રિતે 121 બોલમાં 126 અને દિપ્તી શર્માએ 86 બોલમાં 106 રન ફટકાર્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખીને બીજી વનડે મેચમાં ઝિમ્બાબ્વેને 121 રનથી કચડી નાખ્યું છે. આ ભવ્ય જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની આ વનડે શ્રેણીમાં 2-0 થી અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. વડોદરાના મેદાન પર રોમાંચક મુકાબલો રમાયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. માત્ર 19 રનના સ્કોર પર જ ભારતે પોતાની 2 મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ મેદાન પર આવેલી પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે બાજી સંભાળી લીધી હતી. તેણે ઓપનર પ્રતિકા રાવલ સાથે મળીને ઇનિંગને ધીમે ધીમે આગળ વધારી હતી. પ્રતિકાએ 67 બોલનો સામનો કરીને 61 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 124 રનની અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. પ્રતિકા આઉટ થયા બાદ મેદાન પર હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માનું વાવાઝોડું જોવા મળ્યું હતું.

હરમનપ્રીતે આક્રમક બેટિંગ કરતા 121 બોલમાં 15 ચોગ્ગાની મદદથી શાનદાર 126 રન ફટકાર્યા હતા. બીજી તરફ દીપ્તિ શર્માએ પણ માત્ર 86 બોલમાં 15 ચોગ્ગા ફટકારીને પોતાના 106 રન પૂરા કર્યા હતા. આ બંને દિગ્ગજ બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે 137 બોલમાં 153 રનની વિશાળ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટના નુકસાને 328 રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો.

329 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે શરૂઆત સારી કરી હતી. પ્રથમ 10 ઓવરમાં તેઓએ 1 વિકેટ ગુમાવીને 47 રન બનાવી લીધા હતા. લૌરીન ફિરી માત્ર 06 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. જોકે, 107 રનના સ્કોર પર ઝિમ્બાબ્વેને બીજો મોટો ફટકો પડ્યો હતો અને ત્યારબાદ તેમની આખી ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઓપનર મોડેસ્ટર મુપાચિકવાએ સૌથી વધુ 49 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તેને સામે છેડેથી કોઈ મજબૂત સાથ મળ્યો ન હતો. ઝિમ્બાબ્વેએ 120 રન પર ત્રીજી, 154 રન પર ચોથી અને 168 રન પર પાંચમી વિકેટ ગુમાવી હતી.

ભારતીય બોલરોના તરખાટ સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો સંપૂર્ણપણે લાચાર દેખાયા હતા. ઝિમ્બાબ્વેના 5 બેટ્સમેનો તો બે આંકડાનો સ્કોર પણ પાર કરી શક્યા ન હતા, જેમાંથી 3 ખેલાડીઓ શૂન્ય રને આઉટ થયા હતા. ભારત તરફથી યુવા બોલર વૈષ્ણવી શર્માએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 4 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેની કમર તોડી નાખી હતી. સતત પડતી વિકેટોના કારણે ઝિમ્બાબ્વેની આખી ટીમ 48.5 ઓવરમાં માત્ર 207 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ભવ્ય જીત સાથે ભારતીય ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *