રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પરના નડતરરૂૂપ દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી શરૂૂ કરાઈ છે. દેરડી (કુંભાજી) અને સુલતાનપુર માર્ગ પર વડલા પાસે ખડકાયેલા રસના ચીચોડા તેમજ અન્ય કાચા-પાકા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. છઇ વિભાગ દ્વારા સુલતાનપુર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા અગાઉ 100થી વધુ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. જે પૈકી ઘણા લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લીધા હતા, જ્યારે બાકી રહેલા દબાણો આજે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આગામી 3 થી 4 દિવસ સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે. રસ્તાની બંને બાજુએ આવેલી ખાણી-પીણીની લારીઓ અને અન્ય ગેરકાયદેસર દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. હજુ પણ કેટલાક લોકોને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે.
ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુલતાનપુર પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. રસ્તાઓ ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
