સરકારને માણસ કરતા સિંહ વધુ વહાલા

દોઢ વર્ષમાં સિંહ-દીપડાના હુમલામાં 60 જેટલા લોકોનાં મોત, સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા પૂર્વમંત્રી જુનાગઢ જિલ્લાના સરહદી વિસ્તારો અને ગીરના જંગલની બહાર રેવન્યુ તથા ગ્રામ્ય…

દોઢ વર્ષમાં સિંહ-દીપડાના હુમલામાં 60 જેટલા લોકોનાં મોત, સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા પૂર્વમંત્રી

જુનાગઢ જિલ્લાના સરહદી વિસ્તારો અને ગીરના જંગલની બહાર રેવન્યુ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. આ ગંભીર મુદ્દે રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, સરકારને માણસ કરતાં સિંહ વધારે વહાલા હોય એવો ઘાટ ઘડાયો છે, જેને કારણે ખેડૂતો અને મજૂરોના જીવ જોખમમાં મૂકાયા છે.

પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જો સિંહોને આ જ પ્રકારે આડેધડ આરક્ષણ અને સંરક્ષણ આપવામાં આવશે તો તેમની વસ્તીમાં થતો બેફામ વધારો ભવિષ્યમાં માનવજાત માટે અત્યંત ખતરનાક સાબિત થશે. તેમણે દાવો કર્યો હતો કે, સિંહોના સ્વભાવમાં હવે ધરમૂળથી બદલાવ આવ્યો છે. અત્યારે સિંહો સામે ચાલીને મનુષ્યો પર હુમલા કરી રહ્યા છે. આ બદલાયેલા વર્તન પાછળના કારણો જાણવા માટે નિષ્ણાતો પાસે વૈજ્ઞાનિક તપાસ કરાવવી અત્યંત જરૂૂરી બની ગઈ છે. તેમણે વર્ષો અગાઉ પણ સિંહોની સંખ્યા વધવાથી માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા અંગે સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ખેડૂતો અને શ્રમિક પરિવારોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દોઢ વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 50થી 60 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2024-25 દરમિયાન માત્ર જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલમાં જ 18 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં 5 લોકોના મોત સિંહના હુમલાથી અને 13 લોકોના મોત દીપડાના હુમલાથી થયા હતા.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ મંત્રીએ સરકાર સમક્ષ કડક માંગ કરી છે કે, જો કોઈ વન્યજીવના હુમલામાં પરિવારના કમાઉ સભ્યનું મોત થાય, તો નિરાધાર બનેલા પરિવારને તાત્કાલિક 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. વર્ષ 2025ની ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી ગઈ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે માત્ર વન્યજીવ સંરક્ષણ જ નહીં, પરંતુ ’માનવ સુરક્ષા’ ને કેન્દ્રમાં રાખીને પ્રાણીઓને અપાતા સંરક્ષણ અને આરક્ષણની નીતિઓ પર તાત્કાલિક ધોરણે ગંભીર પુનર્વિચારણા કરવી જોઈએ એવી માંગ ઉઠાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *