શહેરની મણિનગર સ્થિત સેવન્થ ડે સ્કૂલ નજીવી બાબતે વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ચર્ચામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા અનેક ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા સેવન્થ ડે સ્કૂલનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત સેવન્થ ડે સ્કૂલમાં હવે કોઈ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવામાં આવે. જો કે અત્યારે સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર નહીં થાય.
વર્તમાનમાં સેવન્થ ડે સ્કૂલમાં લગભગ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. સેવન્થ ડે સ્કૂલના વહીવટદાર તરીકે DEO ની નિમણૂંક કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં સેવન્થ ડે સ્કૂલના કેમ્પસમાં એક વિદ્યાર્થીએ ધક્કો મારવા જેવી નજીવી બાબતે બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ સ્કૂલમાં લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને ઑનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો. શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના નિર્દેશ અનુસાર, DEO રોહિત ચૌધરીએ તપાસ માટે બે કમિટીની રચના કરી હતી. આ તપાસમાં સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદેસર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આટલું જ નહીં, સ્કૂલ સંચાલકો દ્વારા સ્થળ ફેરફાર કે વધારાના વર્ગો ચલાવવા માટે પણ કોઈ મંજૂરી લેવામાં ના આવી હોવાનું ધ્યાને આવ્યું હતુ. જે બાદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર પોતાના હસ્તક લેશે અથવા તો કોઈ ટ્રસ્ટને સોંપશે તેવી ચર્ચાઓ થઈ રહી હતી.
