મોટી માત્રામાં સડેલા બટેટાનો નાશ, શહેરી વિસ્તારમાં પણ આરોગ્ય અને ફૂડ વિભાગનું સઘન ચેકિંગ
રંગીલા રાજકોટમાં ઉત્સાહ અને ઉમંગ સાથે શરૂૂ થયેલા ’વિરાસતથી વિકાસ-2026’ લોકમેળા દરમિયાન જનઆરોગ્ય અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. લોકમેળાના પ્રથમ દિવસે જ આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમો દ્વારા મેળાના ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ તેમજ શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગની સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
મેળામાં આવતા લાખો મુલાકાતીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા, ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા અને બગડેલા બટેટા મળી આવ્યા હતા. ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડાં કરતી આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને, ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે આ અખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો અને લોક આરોગ્યની સુરક્ષા ખાતર સ્થળ ઉપર જ તેનો નાશ કર્યો હતો.
આ ઉપરાંત, સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની ગુણવત્તા પણ ચકાસવામાં આવી હતી. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખાણી-પીણીની ચીજ વસ્તુઓ આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન અક્ષરસ: ચકાસી લેવી આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે.
મેળા ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને ખોરાક-ઓષધ નિયમન તંત્રની સંયુક્ત ટીમ દ્વારા ’ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006’ હેઠળ હેલ્થ-હાઈજિન અને ફૂડ રજીસ્ટ્રેશનની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઇવ દરમિયાન અંદાજે 50 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સના સ્થળોની રૂૂબરૂૂ મુલાકાત લેવામાં આવી હતી. તેમને વત્વરામાં વેપાર શરૂૂ કરવા માટેના કાયદેસરના દસ્તાવેજો અને નિયમોનું પાલન કરવા કડક તાકીદ કરાઈ હતી. તમામ ફૂડ વેપારીઓને અનહાઈજિનિક સ્થિતિમાં ફ્રાયડ ફૂડનું વેચાણ ન કરવા, વાસી ચીજવસ્તુઓનો ત્વરિત નિકાલ કરવા અને પરિસરમાં સ્વચ્છતા જાળવવા આદેશ અપાયો છે. આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ સઘન રીતે ચાલુ રહેશે.
