PTCનો પાછો જમાનો આવ્યો! 10 હજાર બેઠકો સામે દોઢ લાખથી વધુ ફોર્મ ભરાયા

  રાજ્યમાં PTC કોલેજોમાં હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવાની વાત વહેતી થતાં છેલ્લા બે વર્ષથી…

 

રાજ્યમાં PTC કોલેજોમાં હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રાથમિક સ્કૂલોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવાની વાત વહેતી થતાં છેલ્લા બે વર્ષથી PTCકોલેજમાં પ્રવેશ માટે ભારે સ્પર્ધા ઊભી થઈ છે. હાલમાં કુલ 80 કોલેજોમાં અંદાજ 8 હજારથી વધુ બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા કેટલીક સ્વનિર્ભર કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટામાં ડોનેશન લેવાનું શરૂૂ કર્યું હોવાની ફરિયાદો બહાર આવી છે.

રાજ્યમાં એક સમયે 400થી વધુ PTCકોલેજો ધમધમતી હતી. PTC કર્યા પછી વિદ્યાર્થીઓને નોકરી ન મળતાં ધીમે ધીમે કોલેજોને વિદ્યાર્થીઓ મળવાના બંધ થતાં કોલેજો બંધ થઇ ગઇ હતી. હાલની સ્થિતિમાં 35 ગ્રાન્ટેડ, 5 સરકારી અને 40 સ્વનિર્ભર મળીને અંદાજે 80 કોલેજમાં 8થી 10 હજાર બેઠક ઉપલબ્ધ છે. કોલેજોની સંખ્યા ઓછી થતાં એક સમયે કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા બંધ કરીને પ્રવેશની કાર્યવાહી જે તે કોલેજોને સોંપવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, છેલ્લા કેટલાય સમયથી એવી વાતો વહેતી થઇ છે કે, આગામી કેટલાક વર્ષોમાં પ્રાથમિક સ્કૂલોમાં 50 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડવાની છે. આ વહેતી થયેલી વાતના પગલે હવે ધો.12 પાસ થયેલા વિદ્યાર્થીઓ સરકારી નોકરીની લાલચે PTC કરવા તરફ વળ્યા છે.

જેના કારણે હાલ લગભગ દરેક PTC કોલેજોમાં જેટલી બેઠકો ઉપલબ્ધ છે તેના કરતાં 10થી 15 ગણા વધારે ફોર્મ ભરાયા છે. કેટલીક કોલેજોમાં તો સંચાલકોએ મેનેજમેન્ટ ક્વોટામાં ઓછા ટકા હોય તો પણ પ્રવેશ માટે ડોનેશન લેવાનું પણ શરૂૂ કર્યું હોવાની વાતો બહાર આવી છે. આ ઉપરાંત હાલ કોલેજ કક્ષાએ પ્રવેશ કાર્યવાહી હોવાના કારણે વિદ્યાર્થીઓએ જુદી જુદી કોલેજોમાં ફોર્મ ભરવા માટે રઝળપાટ કરવો પડે છે. આ સ્થિતિમાં હવે ફરીવાર PTCમાં કેન્દ્રીયકૃત પ્રવેશ કાર્યવાહી શરૂૂ કરવી જોઇએ તેવી માગણી પણ ઉઠવા પામી છે. સરકાર પક્ષે પણ ખરેખરે આગામી દિવસોમાં ભરતી થવાની છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત કરવી જોઇએ કે જેથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય નહીં. હાલની સ્થિતિમાં તમામ PTC કોલેજોમાં મળીને અંદાજે દોઢ લાખ કરતાં વધુ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હોવાનો અંદાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *