ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પાટનગરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મહાપાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની શક્યતાઓ વચ્ચે 11 વોર્ડની કુલ 44 બેઠકો પર સત્તા મેળવવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની ગોઠવણ શરૂૂ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મુખ્ય પક્ષો ચૂંટણીલક્ષી વ્યુહરચનામાં જોતરાઈ ગયા છે, ત્યારે ચૂંટણી જાહેર થતાં જ ઉમેદવારોની પસંદગીથી માંડીને આક્રમક પ્રચાર સુધીની ગતિવિધિઓ વધુ તેજ બનશે.
આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે સજ્જતા દાખવતા પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણીની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી દીધી છે. ભાજપ પક્ષ દ્વારા એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહને GMC ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથે અમદાવાદ પૂર્વના પૂર્વ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ (જીતેનભાઈ પટેલ) ને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ છે. આ સાથે ચૂંટણી પ્રભારી મંત્રી તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સહપ્રભારી મંત્રી તરીકે સંજયભાઈ મકવાણા (સંજય મહિડા) ની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે સંકલન જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી સંયોજક તરીકે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા તથા સહસંયોજક તરીકે પૂર્વ મેયર હિતેશ મકવાણા અને પૂર્વ નગરસેવક સુરેશ મહેતાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અત્યંત રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પડદા પાછળ ગઠબંધન રચવા મુદ્દે ગહન મનોમંથન ચાલી રહ્યું છે.
વર્ષ 2021 માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ગત ચૂંટણી પર નજર કરીએ તો, તે સમયે ત્રિપાંખિયા ચૂંટણી જંગને કારણે વિરોધ પક્ષના મતોનું મોટા પાયે વિભાજન થયું હતું, જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો અને ભાજપે 44 માંથી 41 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. આ ઐતિહાસિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વિપક્ષી મતોનું વિભાજન અટકાવવા માટે કોંગ્રેસ અને અઅઙ એક મંચ પર આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જો વિપક્ષ સંયુક્ત રીતે મેદાનમાં ઉતરે તો સીધી ટક્કરની સ્થિતિ નિર્માણ થશે, જે આગામી ચૂંટણીમાં ભાજપ સામેના રાજકીય ગણિતને ભારે રોચક અને પડકારજનક બનાવી શકે છે.
