મનરેગાનું નામ બદલવા સામે નહીં, ખર્ચના રાજ્યો પરના બોજાની ચર્ચા થવી જોઇએ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે…

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે ’વિકસિત ભારતજી રામ જી’ કરવાનું નક્કી કર્યું એ મુદ્દે ઘમાસાણ મચ્યું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું પછી સંસદમાં તડાપિટ બોલી અને હવે સંસદની બહાર પણ ગાંધીજીના નામે ચરી ખાવાનો ખેલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો મચી પડ્યા છે કે, મનરેગાનું નામ બદલવું એ મહાત્મા ગાંધીના વિચારોનું સીધું અપમાન છે અને સરકાર આડકતરી રીતે ગાંધીજીના નામને ભૂંસવાની કોશિશ કરી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના અધિકારો નડે છે તેથી મોદી સરકાર છેલ્લાં 10 વર્ષથી મનરેગાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે અને હવે તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ’વીબી-જી રામ જી’ બિલ ગરીબ ગ્રામીણ પરિવારોની આજીવિકા પર હુમલો છે તેથી આ જનવિરોધી બિલનો વિરોધ કરશે.

ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ કાગનો વાઘ કરી રહી છે અને સરકારની ગ્રામીણ પ્રજાજનો તથા ખેડૂતોને ફાયદો કરાવનારા બિલ સામે વાંધો ઉઠાવીને પાણીમાંથી પૌરા કાઢી રહી છે. નવા કાયદાથી ખેડૂતો અને ગરીબો બંનેને ફાયદો થશે કેમ કેમ કે સરકાર રોજગારની ગેરંટીના દિવસો વધારી રહી છે. આ ઉપરાંત ખેતીની સીઝનમાં ખેતમજુરો ઉપલબ્ધ રહે એવી જોગવાઈ પણ કરી રહી છે. તેના કારણે ખેડૂતો અને ખેત મજૂરો બંને ભાજપ તરફ ઢળશે એ વિપક્ષોથી સહન થતું નથી તેનો આ બધો કકળાટ છે. ભાજપનો દાવો અર્ધસત્ય છે કેમ કે કેન્દ્ર સરકારનો ઈરાદો માત્ર ખેડૂતો અને ગરીબોનું ભલું કરવાનો નથી પણ પોતાના પરનો આર્થિક બોજ ઘટાડવાનો પણ છે. રોજગારીના દિવસો વધશે તેથી ગરીબોને ફાયદો થશે ને ખેતીની સીઝન સમયે 60 દિવસ માટે મનરેગાનો અમલ સ્થગિત કરાશે તેથી ખેડૂતોને મજૂરોની અછત નહીં પડે ને વધારે ખર્ચ નહીં કરવો પડે એ વાત સાચી પણ સામે રાજ્યો સાથે ખર્ચ વહેંચાશે તેથી કેન્દ્રનો બોજ હળવો થઈ જશે.

અત્યારે મનરેગાનો મોટા ભાગનો ખર્ચ કેન્દ્ર સરકારના માથે છે પણ નવા કાયદામાં રાજ્યો પણ એ ખર્ચ ઉઠાવે એવી જોગવાઈ છે. અત્યારે મનરેગા હેઠળ વરસમાં 100 દિવસ રોજગારની ગેરંટી આપવાની જોગવાઈ છે પણ નવા કાયદામાં 125 દિવસ કરવામાં આવશે તેથી રોજગારીના દિવસોમાં 25 ટકાનો વધારો થશે પણ ખર્ચનો બોજ રાજ્યો પર પણ આવી જશે તેથી કેન્દ્ર ફાયદામાં છે. આ સિવાય વાવણી અને કાપણીના સમયે રોજગાર ગેરંટી સ્થગિત કરી દેવાશે તેથી એ સમયગાળામાં પણ યોજના માટે સરકારે ખર્ચ નહીં કરવો પડે. કેન્દ્ર સરકાર એ રીતે પોતાનો ફાયદો જોઈ રહી છે તેમાં બેમત નથી પણ સામે વિપક્ષો પણ ગાંધીજીનું નામ કાઢી નાખવાથી ગાંધીજીનું અપમાન થઈ જશે એવો કકળાટ રાજકીય ફાયદા માટે જ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *