શહેરમાં આજી ડેમ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રીંગ કામ કરતો પરપ્રાંતિય યુવાન ચાર દિવસ પહેલા ગુમ થયો હતો. જેની સોખડા ગામે નદીમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ દાહોદના દેવગઢબારીયા પંથકનો વતની અને હાલ આજી ડેમ ચોકડી વિસ્તારમાં રહી સેન્ટ્રીંગ કામ કરતો રમેશ રામસિંગ કોળી (ઉ.40) નામનો યુવાન ગત તા.7-9નાં ઘરેથી ગુમ થઈ ગયો હોય જે અંગે આજી ડેમ પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે બપોરે સોખડા ગામ પાસે નદીમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પરિવારજનો હોસ્પિટલે દોડી જતાં મૃતક ચાર દિવસ પહેલા ગુમ થયેલો રમેશ કોળી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે મોતનું કારણ જાણવા ફોરેન્સીક પી.એમ. કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક છ ભાઈ બે બહેનમાં નાનો અને તેમને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
