તમામ જ્ઞાતિનો સમાવેશ કરવા નિરીક્ષકોની સૂચના, નવા રાઉન્ડમાં ફરી બોલાવશું કહી શહેર પ્રમુખને રવાના કરી દેતા ભારે ચકચાર
માનીતા અને મામકાઓને ગોઠવી દેવાની ‘ગોઠવણ’ સામે હાઇકમાન્ડનું કડક વલણ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેર જિલ્લા સંગઠન માળખાની રચના કરવાની કાર્યવાહી આરંભી છે. થોડા સમય પહેલા નિરીક્ષકો દ્વારા રાજકોટ ખાતે શહેર ભાજપ સંગઠનના 20 હોદા માટે સેન્સ લેવામાં આવેલ ત્યારબાદ ગઇકાલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે મેરેથોન બેઠક યોજી પાંચ-પાંચ નામની પેનલો સાથેનો 100 દેવારોનુ લિસ્ટ તેમને સોંપવામાં આવેલ ત્યારે રત્નાકરજીએ તમામ જ્ઞાતિના સમાવેશ સાથે વધુ દાવેદારોનુ લિસ્ટ સોંપવામાં આવે અને ભલામણો કે પ્રાયોરિટીની જરૂર નથી સ્કૂટીની અમે કરી લેશુ તેવુ મોઢે ચોપડાવતા ભાજપ પ્રમુખ વિલામોયે રાજકોટ રવાના થયા હતા.
શહેર સંગઠનની ટીમ નક્કી કરવા માટે સ્થાનિક સંકલન સમિતિ દ્વારા જે નામો રજૂ કરવામાં આવતા હોય છે તેનો સ્વીકાર કરી લેવામાં આવતા હોય છે.પરંતુ આ વર્ષે નવી જ પ્રણાલી શરૂૂ કરવામાં આવી છે.પ્રદેશ દ્રારા બબ્બે નિરીક્ષકો મોકલી નામો લેવામાં આવ્યા હતા.જેને ઘણો સમય વીત્યા બાદ હવે એક પછી એક કે શહેર અને જિલ્લાના પ્રમુખને બોલાવી ચર્ચા કરવામાં આવે છે. રાજકોટ શહેર ભાજપમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની કુલ 20 જગ્યા માટે ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને પ્રદેશ નિરીક્ષકો દ્વારા એક હોદા માટે પાંચ-પાંચ નામોની પેનલ બનાવી 100 નામો પ્રદેશ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સતત દોઢ કલાક સુધી સાંભળ્યા હતા .એક એક હોદા માટે મૂકવામાં આવેલા નામ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી હતી.
જોકે તમામ ચર્ચા વ્યર્થ ગઈ હતી કારણ કે, આ મેરેથોન બેઠકના અંતે એવી તાકીદ કરવામાં આવી હતી કે હજી વધુ નામ આપો અને પૂરતું હોમવર્ક કરીને આવજો. તમામ જ્ઞાતિના આગેવાનોને સંગઠનની ટીમમાં લઈ શકાય તેવા પ્રયાસો કરવાની કડક સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં કોઈપણ હોદ્દા માટે એક પણ નામને અગ્રતા ક્રમ આપવાની જરૂૂર નથી. સંગઠનમાં સમાવી શકાશે તેવું લાગે તે વ્યક્તિનું નામ તમારે પ્રદેશ સમક્ષ માત્ર મૂકી દેવાનું છે સ્કુટીની અમે કરી લેશું છેલ્લો નિર્ણય કમલમથી જ લેવામાં આવશે. તેમ ચોખ્ખા શબ્દોમાં જણાવી દેતા માનીતઓઅને મામકાઓને ગોઠવી દેવાના ખેલ ઉપર પાણી ફરી ગયુ હોય તેવુ જોવા મળ્યુ હતું.
પ્રદેશ કક્ષાએથી જાણવા મળેલ વિગત મુજબ સોમવારથી નવેસરથી પ્રદેશ દ્વારા શહેર અને જિલ્લાના હોદ્દેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. જેમાં એક-એક પછી એક શહેર અને જિલ્લાને બોલાવી ફરી નવા નામો સાથે સાંભળવામાં આવશે. અત્યારે સુધી જે શહેર અને જિલ્લાના વારા પુરા થઈ ગયા છે.તમામને એક જ તાકીદ કરવામાં આવે છે કે સત્ય હોય ત્યાં સુધી નવા નામો લઈને આવજો. કારણ કે તમારું હોમવર્ક હજી અધુરુ છે. સંકલન સમિતિ અને નિરીક્ષકોએ બેસીને જે નામો અલગ તારવ્યા છે તે પણ પ્રદેશને હજી યોગ્ય લાગતા ન હોય તેવું લાગી રહ્યું છે. આવતા સપ્તાહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના મહેમાન બની રહ્યા છે. આ સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે કમુરતા ઉતર્યા બાદ તમામ 42 શહેર અને જિલ્લાના હોદ્દેદારોના નામ એક સાથે જાહેર કરવામાં આવે તેમ લાગી રહ્યુ છે.
કમૂરતા બાદ સંગઠનની ટીમ જાહેર થવાની સંભાવના
રાજકોટ શહેર સહિતના રાજ્યના અલગ અલગ 42 શહેર અને જિલ્લાની સંગઠનની ટીમ હાઈકમાન્ડ દ્વારા કમૂરતા પછી જાહેર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. કારણ કે આગામી સોમવારથી 12 તારીખ સુધી નવેસરથી શહેર અને જિલ્લાના હોદ્દેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવનાર છે. તેમજ નવા વધુ દાવેદારોના નામો મુકાવાની શકયતા જોવાઇ રહી છે. ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ક્મુરતા ઉતરતાની સાથે જ બીજા દિવસે એક સાથે 42 શહેર અને જિલ્લાના સંગઠન માળખાની જાહેરાત કરી દેવામાં આવે તેમ જાણવા મળેલ છે.
