ઇરાની બંદરો પર અમેરિકી નાકાબંધી બોમ્બમારા સમાન છે તો યુદ્ધવિરામની વાત કયાં આવી? ઇરાની પ્રવકતાએ અમેરિકી દંભનો કર્યો વિરોધ
મધ્યસ્થીમાં પાકિસ્તાનનો પનો ટુંકો પડતા ઇરાને વાટાઘાટોમાં જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની ઇસ્લામાબાદ મુલાકાત રદ થતા પરિસ્થિતિનું મુલ્યાંકન કરવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક હાઇ લેવલ મિટીંગ બોલાવી હતી. જે પછીની પ્રેસ બ્રિફમાં પાછલા યુધ્ધ વિરામની અવધિ પુરી થવાને કલાકોની જ વાર હતી ત્યારે, ટ્રમ્પે અનિશ્ર્ચિત યુધ્ધ માટે યુધ્ધ વિરામ લંબાવવાની જાહેરાત કરી હતી. જો કે તેના તરતના સીધા પ્રત્યાઘાતમાં ઇરાને જાહેરાત કરી હતી કે આ નવા જાહેર કરાયેલા એકપક્ષીય યુધ્ધ વિરામ સાથે અમે સંમત નથી.
ઇરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ ગાલિબાફના મુખ્ય સલાહકાર મહેંદી મોહમ્મદીએ સરકારી પ્રવકતાની રૂએ કહ્યું કે અમેરિકા દ્વારા ઇરાની બંદરો પર કરવામાં આવેલી નાકાબંધી (બ્લોકેડ) પોતે જ બોમ્બમારા કરવા સમાન છે તો એમાં યુધ્ધ વિરામની વાત કયાં આવી? તેમણે અમેરિકી દંભની ઘોર નિંદા કરીને ઇરાનની સ્પષ્ટ અસંમતિ જાહેર કરી હતી.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. યુદ્ધવિરામની સમયમર્યાદા પૂરી થવાના ગણતરીના કલાકો પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી વિશેષ વિનંતીને પગલે ટ્રમ્પે આક્રમક હુમલાઓ હાલ પૂરતા ટાળવાનો નિર્ણય લીધો છે. જોકે, બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની પાકિસ્તાન મુલાકાત હાલ સ્થગિત કરી દેવામાં આવી છે, કારણ કે ઈરાને અમેરિકી દરખાસ્તોનો સત્તાવાર જવાબ આપ્યો નથી.
આ અનિશ્ચિતતાની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીને આંબી રહ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની હુમલાઓના જોખમને કારણે શિપિંગ ટ્રાફિક અટકી ગયો છે. અમેરિકી નૌકાદળના જણાવ્યા મુજબ, સુરક્ષાના કારણોસર અત્યાર સુધીમાં 28 જહાજોને પાછા વાળવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુદ્ધવિરામ વધારવાના નિર્ણયને આવકાર્યો છે અને તેને મુત્સદ્દીગીરી માટે એક મહત્વનું પગલું ગણાવ્યું છે.
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેનો 10 દિવસનો યુદ્ધવિરામ પણ જોખમમાં મુકાયો છે. ઈઝરાયેલે આરોપ લગાવ્યો છે કે હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનમાં તેમના સૈનિકો પર રોકેટ છોડ્યા છે, જ્યારે હિઝબુલ્લાહે તેને ઈઝરાયેલ દ્વારા થતા સતત ભંગનો વળતો જવાબ ગણાવ્યો છે. દક્ષિણ લેબનોનના કૈલેહ ગામમાં આજે 16 હિઝબુલ્લાહ લડવૈયાઓ અને 4 નાગરિકોની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન પેન્ટાગોને પુષ્ટિ કરી છે કે યુએસ સેનાએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઈરાની તેલ લઈ જઈ રહેલા એક પ્રતિબંધિત જહાજને કબજે કરી તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે શાંતિ પ્રયાસોને વેગ આપવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા શાંતિ મંત્રણા હજુ પણ અધ્ધરતાલ જણાય છે.
પાક.ના કહેવાથી મેં યુદ્ધવિરામ લંબાવ્યું : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ સમજે છે કે ઈરાની સરકાર ખૂબ જ વિભાજિત છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફે યુદ્ધવિરામ લંબાવવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, “અમને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમના નેતાઓ અને પ્રતિનિધિઓ સર્વસંમતિથી પ્રસ્તાવ ન લાવે ત્યાં સુધી ઈરાન પર હુમલો ન કરવો,” ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં લખ્યું છે કે, પાકિસ્તાનની વિનંતી પર, હું ઈરાન પોતાનો પ્રસ્તાવ રજૂ કરે અને ચર્ચાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવી રહ્યો છું, પછી ભલે તેનું પરિણામ ગમે તે હોય. મેં મારા સૈન્યને નાકાબંધી જાળવી રાખવા અને બાકી રહેલા કોઈપણ મુદ્દાઓ માટે તૈયાર રહેવા સૂચના આપી છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું છે કે, તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માને છે કે, તેમણે યુદ્ધવિરામ લંબાવવાની પાકિસ્તાનની વિનંતી સ્વીકારી જેથી રાજદ્વારી પ્રયાસો આગળ વધી શકે. પાકિસ્તાન વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવા માટે તેના સંપૂર્ણ પ્રયાસો ચાલુ રાખશે.
