દિવ્ય દરબારમાં ભૂત-પ્રેત અને ડાકણોની બઘડાટી, ભકતોમાં ભાગાભાગી

ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના આહવાન પર અચાનક 20 જેટલા મહિલા-પુરુષો અને અને બાળક ધૂણવા લાગ્યા, હાકલા-પડકારાથી મધરાત્રે સર્જાયો બિહામણો માહોલ એક મહિલાને ડાકણ પંડમાં આવી હોવાનુ જણાવી…

ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના આહવાન પર અચાનક 20 જેટલા મહિલા-પુરુષો અને અને બાળક ધૂણવા લાગ્યા, હાકલા-પડકારાથી મધરાત્રે સર્જાયો બિહામણો માહોલ

એક મહિલાને ડાકણ પંડમાં આવી હોવાનુ જણાવી આતંક મચાવ્યો, અનેક લોકોને ફડાકા માર્યા, બાઉન્સરો સાથે પણ કરી મારામારી, હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે બાબા નિશ્ર્ચિંત

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ભારે વિવાદ અને વિરોધ વચ્ચે યોજાયેલા બાબા બાગેશ્ર્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીની કથાના અંતિમ દિવસે રવિવારે રાત્રે બાગેશ્ર્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં બાબાના આહવાન ઉપર 20 જેટલા મહિલા-પુરુષો તથા એક બાળકને ભૂત-ડાકણ પંડમાં આવતા અને હાકલા-પડકારા કરતા, ચિસો પાડતા ધુણવા લાગતા ભારે અફરાતફરી મચી જતા પામી હતી અને ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો. એક મહિલા પોતાને ડાકણ પંડમાં આવી હોવાનું જણાવી બેફામ બની હતી અને અનેક લોકોને ઝાપટો મારી દીધી હતી. જયારે એક મીડિયા કર્મીના વાળ પકડી તેની સાથે ઝપાઝપી કરતા નાસભાગ મચી ગઇ હતી. આ તમામ અંધાધૂધ વચ્ચે બાબા બાગેશ્ર્વર સ્ટેજ ઉપર બેસીને નિરાંતે તમાસો જોઇ રહ્યા હતા.

દિવ્ય દરબારમાં બાબાએ પરચીઓ ખેંચી ભકતોના જવાબ પણ આપ્યા હતા અને ત્યારબાદ આહવાન કરતા અનેક લોકો ધુણવા લાગ્યા હતા અને હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. બેકાબુ બનેલી એક મહિલાએ દોડાદોડી કરી જે સામે મળે તેને મારવાનુ શરૂ કરી દીધુ હતું. બાઉન્સરોએ કાબુમાં લેવા પ્રયાસો કરતા તેની સાથે પણ મારામારી કરી હતી.

આ મહિલાએ પોતાને ડાકણ આવી હોવાનુ જણાવી સ્ટેજ નીચે આંતક મચાવી દીધો હતો. આ સિવાય અન્ય મહિલા-પુરુષો તેમજ એક બાળક પણ ધુણવા લાગ્યા હતા. ધુણતી મહિલાને કપડાનું પણ ભાન રહ્યુ ન હતું. બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાયા છે. રાજકોટમાં યોજાયેલા તેમના ’દિવ્ય દરબાર’ બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

વાયરલ થઈ રહેલા વીડિયો અને ઘટનાની વિગતો મુજબ, દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને કેટલાક લોકો ’ધૂણવા’ લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર ’પ્રેત’ આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતાં, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયા છે. 21મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ પ્રકારે જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાથી બુદ્ધિજીવીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન આવા કાર્યક્રમો સામે કેમ આંખ આડા કાન કરે છે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કથિત ચમત્કારો અને દિવ્ય દરબાર સામે સ્થાનિક સ્તરેથી વિરોધનો સૂર ઉઠ્યો છે. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. આ વિવાદ હવે આગામી દિવસોમાં વધુ વકરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

પ્રશ્ર્નો પૂછવા જતા પરસોત્તમ પીપળિયાની પોલીસ દ્વારા અટકાયત
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) ની કથા અને દિવ્ય દરબારમાં મોટો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. બાબાના દરબારમાં જઈને તેમને ખુલ્લા પડકારવા અને પ્રશ્નો પૂછવા નીકળેલા જાણીતા પાટીદાર અને સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમણે દિવ્ય દરબારમાં જવા માટે પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસે તેમને બાબા સુધી પહોંચવા જ ન દીધા અને રસ્તામાંથી જ તેમની અટકાયત કરીને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે અટકાયત પહેલા પરસોત્તમભાઈને સમજાવતા કહ્યું હતું કે, જો તેઓ ઘરે રહેશે તો તેમની અટકાયત નહીં કરવામાં આવે. પરંતુ પરસોત્તમભાઈ પોતાની વાત પર મક્કમ હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું તો બાબાના દરબારમાં જવાનો જ છું, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી નથી, તે પોલીસનું કામ છે.” પીપળીયાએ પીછેહઠ ન કરતા આખરે પોલીસે શાંતિ ડહોળાય નહીં તે હેતુથી તેમને કસ્ટડીમાં લીધા હતા. પરસોત્તમભાઈએ સ્પષ્ટતા કરી હતી કે, તેમને સનાતન ધર્મ કે હનુમાન કથા સામે કોઈ જ વાંધો નથી. તેમનો મુખ્ય વિરોધ ભૂત-પિશાચના નામે ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે છે. તેમનું માનવું છે કે બાબા બાગેશ્વર પોતાના ચમત્કારોના દાવાઓથી નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ જ કારણસર તેઓ ખુદ દિવ્ય દરબારમાં હાજર રહીને બાબા પાસે પોતાના સવાલોના સીધા જવાબો માંગવા માંગતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *