રાહુલે સંસદની અંદર અને બહાર ઊભું કરેલું વાતાવરણ લોકશાહી માટે ચિંતાજનક

ભારતીય સંસદીય ઇતિહાસમાં ખૂબ જ જૂજ વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પૂર્વ વડાપ્રધાન અન્ય પક્ષના વરિષ્ઠ નેતાને પત્ર લખીને સંસદની કાર્યવાહી અંગે…

ભારતીય સંસદીય ઇતિહાસમાં ખૂબ જ જૂજ વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પૂર્વ વડાપ્રધાન અન્ય પક્ષના વરિષ્ઠ નેતાને પત્ર લખીને સંસદની કાર્યવાહી અંગે આટલી ગંભીર ટકોર કરે.

દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ કાલે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વ્યવહાર અંગે પોતાનો ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે.
તેમણે સીધા શબ્દોમાં જણાવ્યું છે કે સંસદની અંદર અને બહાર જે પ્રકારનું નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તે દેશના લોકશાહી માળખા માટે કાયમી કડવાશ પેદા કરી શકે છે.

દેવગૌડાએ પત્રમાં પોતાની મનોવેદના ઠાલવતા લખ્યું છે કે, મેં આ પત્ર પહેલા લખ્યો ન હતો કારણ કે મને આશા હતી કે સમયની સાથે પરિસ્થિતિમાં સુધારો થશે. પરંતુ દુર્ભાગ્યે, મને સુધારાના કોઈ સંકેત દેખાતા નથી. તેમણે ચેતવણી આપી છે કે જો આવી અરાજક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તો તેના દૂરગામી પરિણામો અત્યંત ગંભીર હશે, જે કદાચ અત્યારે કોઈ જોઈ શકતું નથી.

પૂર્વ વડાપ્રધાને પત્રમાં ખાસ કરીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. દેવગૌડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદો સંસદ અને તેના પરિસરમાં બિનજરૂૂરી અવરોધો ઊભા કરી રહ્યા છે. તેમણે પ્લેકાર્ડ પ્રદર્શન, સતત સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત આક્ષેપોની ઘટનાઓને ‘બિન-ગંભીરતા’ નું પ્રતીક ગણાવી છે. તેમણે ઉમેર્યું, મારા લાંબા જાહેર જીવનમાં મેં સંસદને આટલી હદે અરાજકતામાં ક્યારેય જોઈ નથી. સંસદની બહાર જે પ્રકારે નાકાબંધી અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે અભૂતપૂર્વ અને ચિંતાજનક છે.

દેવગૌડાએ સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ વિપક્ષના સૌથી વરિષ્ઠ નેતા તરીકે પોતાની ભૂમિકા ભજવે. તેમણે અપીલ કરી, તમારા લાંબા રાજકીય અનુભવનો ઉપયોગ કરો અને તમારા પક્ષ તથા અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે વાત કરો. તેમને સમજાવો કે લોકશાહીમાં સંસદની ગરિમા સર્વોપરી છે. પૂર્વ પીએમનો ઈરાદો કોઈની ભૂમિકાને મર્યાદિત કરવાનો નહીં, પણ સંસદીય પ્રણાલીને પતનથી બચાવવાનો હોવાનું તેમણે પત્રના અંતે સ્પષ્ટ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *