સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ખાવા મળતી કેસર કેરી આ વર્ષે દિવાળી તહેવારોમાં જ આવી ગઈ છે. વાતાવરણમાં પરિવર્તનના કારણે 10મા મહિનામાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચી છે. આ અણધારી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને આકર્ષણ જોવા મળી રહ્યું છે. પોરબંદરની સુદામા ફ્રૂટ કંપનીમાં આજે કેસર કેરીના 21 બોક્સની નવી આવક નોંધાઈ હતી. અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 150થી 160 બોક્સ કેસર કેરી આવી ચૂકી છે.
બજારમાં ગુણવત્તા અનુસાર કેસર કેરીના ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. ઉત્તમ ગુણવત્તા ધરાવતી પ્રથમ નંબરની કેરીના પ્રતિ કિલો ₹300થી ₹400 (એટલે કે 10 કિલોના બોક્સના ₹3000થી ₹4000) સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે બીજા નંબરની ગુણવત્તા ધરાવતી કેરી ₹151થી ₹200 પ્રતિ કિલો (બોક્સના ₹1500થી ₹2000)ના ભાવે વેચાઈ હતી.
વેપારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય સંજોગોમાં બરડા ડુંગર વિસ્તારનું વાતાવરણ અનુકૂળ રહેતું હોવાથી દર વખતે 12મા મહિનામાં વહેલી કેરી આવતી હોય છે, પરંતુ આ વખતે 10મા મહિનામાં જ કેરી પાકીને બજારમાં આવી જવી તે એક અચરજ સમાન બાબત છે.
આ વહેલી આવક પાછળનું મુખ્ય કારણ ચાલુ વર્ષે બરડા ડુંગર વિસ્તારમાં વરસાદની ઓછી માત્રા રહ્યું છે. વરસાદ ઓછો પડવાને કારણે જમીનમાં ગરમીનું પ્રમાણ વધતાં અમુક આંબાના બગીચાઓ અને ઝાડમાં 7મા-8મા મહિનામાં જ વહેલી ફૂટ (મોર) આવી ગઈ હતી. આ અગાઉથી આવેલી ફૂટને પરિણામે 10મા મહિનામાં જ પાકેલી મીઠી કેસર કેરી તૈયાર થઈને માર્કેટમાં વેચાણ અર્થે પહોંચી છે.
