કોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયો

કોડીનાર શહેરમાં વૃદ્ધ મહિલાને પેન્શનનું ફોર્મ ભરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને સોનાની બૂટ્ટી છેતરપીંડીથી પડાવી ફરાર થયેલા શાતિર આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડી ચોરાયેલી…

કોડીનાર શહેરમાં વૃદ્ધ મહિલાને પેન્શનનું ફોર્મ ભરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને સોનાની બૂટ્ટી છેતરપીંડીથી પડાવી ફરાર થયેલા શાતિર આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડી ચોરાયેલી રૂૂ. 24 હજાર કિંમતની સોનાની બૂટ્ટી કબજે લઈ નોંધપાત્ર સફળતા મેળવી છે.

મળતી માહિતી મુજબ, તા.30 જૂનના રોજ એક વૃદ્ધ મહિલા કોડીનાર કોર્ટ રોડ નજીક આવેલી એસબીઆઈ બેંકમાં રૂૂપિયા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન એક શખ્સે પોતે વૃદ્ધ પેન્શનના ફોર્મ ભરાવવાનું કામ કરતો હોવાનું જણાવી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ફોર્મ ભરવા માટે ઓફિસે જવાનું કહી પોતાની મોટરસાયકલ પર બેસાડી જૂના બસ સ્ટેન્ડ નજીક લઈ ગયો હતો. ત્યાં ફોર્મના નમૂના માટે સોનાની બૂટ્ટી બતાવવી પડશે તેમ કહી મહિલાના કાનમાં પહેરેલી અંદાજે અઢી ગ્રામ વજનની રૂૂ. 24 હજાર કિંમતની સોનાની બૂટ્ટી લઈ આરોપી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે કોડીનાર પોલીસમાં ગુનો નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.હરિયાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી. એન. કાછડ તથા કોડીનાર પોલીસ ટીમે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીની ઓળખ મેળવી હતી. પોલીસે સિંઘાજ ગામેથી આરોપી રોહિત મસરીભાઈ કછોટ (ઉં. 26) ને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી સોનાની બૂટ્ટી કબજે કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ચોરી અને છેતરપીંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે. વૃદ્ધ અને નિરાધાર લોકોને વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરાવી આપવાના બહાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી અપનાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *