ભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા

50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે અખાડા અને નાસિકના ઢોલ જોડાશે 3 ટન ચણાની પ્રસાદી તૈયાર, સવારે આઠ…

50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે અખાડા અને નાસિકના ઢોલ જોડાશે

3 ટન ચણાની પ્રસાદી તૈયાર, સવારે આઠ વાગ્યે પ્રસ્થાન કરશે, પત્રકાર પરિષદમાં વિગતો જાહેર

ભાવનગર શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી અવિરતપણે યોજાતી આ રથયાત્રા આ વર્ષે પોતાની 41મી વર્ષગાંઠ ઉજવી રહી છે. આગામી તા. 16 ને ગુરૂૂવારના રોજ સવારે 8 કલાકે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક પૂજા-અર્ચન કર્યા બાદ આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂૂભાઈ ગોંડલિયાએ આ વર્ષની રથયાત્રાની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી.

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની પૂજા-અર્ચનામાં અનેક સંતો, મહંતો, મહામંડલેશ્વરઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજ સિંહજી તથા નામદાર યુવરાજ જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાની ઝાડુથી “છેડાપોરા” વિધિ સંપન્ન કરવામાં આવશે. ત્યારબાદ દબદબાપૂર્વક માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.

રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ધર્મપ્રેમી જનતાના સહકારથી રથયાત્રાનું માઇક્રોપ્લાનિંગ 20 જેટલા વિવિધ વિભાગો (જેવા કે પ્રચાર-પ્રસાર, રથ-મિકેનિકલ, ટ્રાન્સપોર્ટ, વહીવટી, ફેબ્રિકેશન વગેરે) અને 200 જેટલા સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તો ઘરે બેઠા પણ રથયાત્રા નિહાળી શકે તે માટે યુટ્યુબ ચેનલ (official rathyatra bvn1986), ફેસબુક પેજ (Shri Jagannathji Rathyatra Bhavnagar) અને સમિતિની ઓફિશિયલ વેબસાઇટ (rath yatra bhavnagar.in) પર લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાનના કલાત્મક વાધા બનાવવાની સેવા હરજીવનભાઈ દાણીધારીયા અને સાફા બનાવવાની સેવા પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ દ્વારા આપવામાં આવી છે, જેના યજમાન ભારત મિલ્કવાળા સુભાષભાઈ, પિન્ટુભાઈ અને રિંકલબેન ખંભાતી પરિવાર છે. રથના શણગાર અને માળીકામની સેવા મિહિરભાઈ પિત્રોડા તથા હરિભાઈ બારૈયા દ્વારા સંભાળવામાં આવી છે.

વેપારીઓ તથા સંસ્થાઓ દ્વારા રથયાત્રાના રૂૂટ પર ધજા-પતાકા, રોશની અને ભવ્ય સ્વાગત કમાનો ઊભી કરવામાં આવી રહી છે. ઘોઘાગેટ ચોક ખાતે મુખ્ય ભવ્ય સ્વાગત ગેઇટ અને ભગવાન કૃષ્ણનું વિશાળ કટઆઉટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે 3 ટન ચણાની પ્રસાદી ભક્તો માટે તૈયાર કરવામાં આવી છે. રથયાત્રામાં 50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા, દૂર્ગાવાહિની-બજરંગ દળના અખાડા, મિની ટ્રેન, નાસિક-ઢોલ અને ડી.જે. સાઉન્ડ સિસ્ટમ જોડાશે. ગાયત્રી પરિવાર અને મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ ફલાવતા ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા છે.

વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે સર્જાયેલી પેટ્રોલ-ડીઝલની સમસ્યાને ધ્યાને રાખી સમિતિએ આ વર્ષે વાહનોની સંખ્યામાં સ્વૈચ્છિક ઘટાડો કરી રાષ્ટ્રભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રથયાત્રા દરમિયાન અને બાદમાં ભાવનગર મહાનગરપાલિકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) યુવાનો “સ્ટુડન્ટ ફોર સેવા” (S.F.S.)અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરશે. સમિતિના આગેવાનો દ્વારા ફ્લોટો, વેશભૂષા અને અખાડા સ્પર્ધાના વિજેતાઓ માટે ઇનામો પણ રાખવામાં આવ્યા છે. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંતમાં સમિતિના આગેવાનોએ ભાવનગરની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય રથયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.

રથયાત્રાનો રૂટ
રથયાત્રા સવારે 8:00 કલાકે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિરથી નીકળીને મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂૂપાણી સર્કલ, સ્વામિનારાયણ ગુરૂૂકુળ, સરદારનગર સર્કલ, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ભરતનગર, સંસ્કાર મંડળ, તખ્તેશ્વર મંદિર, કાળાનાળા, સર.ટી. હોસ્પિટલ રોડ, જેઇલ રોડ, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, નિર્મળનગર નાકો, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી ચોક, જશોનાથ ચૌક, ઘોઘાગેટ, ખારગેટ, મામાકોઠા, ડાયમંડચોક, મહિલા કોલેજ થઈ પરત સુભાષનગર ખાતે મોડી સાંજે ભક્તિસભર માહોલમાં સંપન્ન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *