સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને વગડીયા રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેક મેઈન્ટેનરે પોતાના જ ઉચ્ચ અધિકારી, એટલે કે ચીફ પરમેનન્ટ વે ઈન્સ્પેક્ટર સુરેશ ગૌતમ સામે શારીરિક-માનસિક શોષણ અને છેડતીની સુરેન્દ્રનગર રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ વાંકાનેર બદલી થયેલા CPWI સુરેશ ગૌતમે તા. 21-7-2026 ના રોજ સવારે વાગ્યે વગડીયા રેલવે સ્ટેશન ખાતે પોઈન્ટ 102 પર ફરજ બજાવતી મહિલાને જમાદાર નીતીશ મંડલ મારફતે સ્ટોર રૂૂમ પાસે બોલાવી હતી. ત્યાં સર્વિસ બુક જોતી વખતે સુરેશ ગૌતમે મહિલાના ડાબા હાથ પર અયોગ્ય રીતે સ્પર્શ કરતા મહિલાએ પાણીની બોટલનો ઘા કર્યો હતો.
જેથી ઉશ્કેરાયેલા સુરેશ ગૌતમે મહિલાના બંને હાથ પકડી જમણા હાથનું કાંડું જોરથી દબાવી દઈ ઝપાઝપી કરી હતી. અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી મહિલાને છોડાવી હતી.ઘટના બની તે પછી મહિલાએ પહેલા આરપીએફને અને બાદમાં 181 અભયમ તથા 112 પોલીસ કંટ્રોલ રૂૂમને ફોન કર્યો હતો.
પોલીસ વાહનમાં મહિલાને થાનગઢ ચોકી ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં વાંકનેરના એડીઈએન આવી પૂછપરછ કર્યા પછી મહિલાને સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે લાવી ફરિયાદ દાખલ કરાવાઈ હતી. રેલવે પોલીસે હેડ કોન્સ્ટેબલ વાસુદેવભાઈ ઘુસડિયાને આ કેસની આગળની તપાસ સોંપી છે.
ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ, સંશયિત અધિકારી 2024થી જ કોમ્પ્યુટર કે સરકારી કામકાજ દરમિયાન અડપલાં કરતા હતા અને દિવસ-રાત વીડિયો કોલ, મેસેજ તથા ગંદા ઈશારા કરતા હતા. વાત ન માને તો દૂરના સ્ટેશને નોકરી મૂકી દેવાની ધમકી આપતા હતા. મહિલા અન્ય સ્ટેશને ટ્રાન્સફર ન થતા આરોપીએ તેના પતિ જે એમપીમાં પોલીસમાં છે તેમના વોટ્સએપ પર તમારી વાઈફનું કેરેક્ટર સારું નથી જેવા મેસેજ મોકલી પરિવારમાં કલેશ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
