રિલાયન્સ રિફાઇનરી ખાતે તા.23 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:40 કલાકે આતંકી હુમલો થયા અંગેની જાણ રિલાયન્સ રિફાઇનરી દ્વારા જામનગર જિલ્લા કંટ્રોલરૂૂમ ખાતે કરવામાં આવી હતી. અને યુદ્ધના ધોરણે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ટીમ રિલાયન્સ છટ ગેટ નજીક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, ફાયર, આરોગ્ય વિભાગની ટીમો, પોલીસ તંત્ર, ક્વીક રિસ્પોન્સ ટીમ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દોડતી થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આજુબાજુના વિસ્તારમાંથી લોકોને નજીકના આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા વહીવટી તંત્ર અને વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તથા શંકાસ્પદ તત્વોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી.
અંતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટના રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ જાહેર કરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે એનએસજી દ્વારા પ્રથમ વખત જામનગરમાં આ પ્રકારે રાષ્ટ્રીય કક્ષાની ટેરરિઝમ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી.રિલાયન્સ રિફાઇનરીમાં 4 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં 10 પૈકી 9 હોસ્ટેજિસને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, એકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ચારેય આતંકવાદીઓના મોત નિપજ્યા હતા અને 2 કમાન્ડો શહીદ થયા હતા. સાંજે 7:40 વાગ્યે શરૂૂ થયેલ આ મોકડ્રીલ રાત્રે 3:19 કલાકે પૂર્ણ થઈ હતી.
