બસ સ્ટેન્ડ પાસે મધમાખીનું ઝૂંડ ઉડતાં વાહન ચાલકો બચવા તળાવમાં કુંદ્યા
લખતર તાલુકાના કડુ ગામે આજે અચાનક ઝેરી મધમાખીઓએ આતંક મચાવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઇવે પર બસ સ્ટેન્ડ નજીક બેઠેલા લોકો અને વાહન ચાલકો પર મધમાખીઓના ઝુંડે 10થી વધુ લોકોને ડંખ મારતતા હોસ્પિટલ ખસેડવા પડયા હતા.
લખતરના કડુ ગામ પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક વૃક્ષો પર રહેલા ભમરિયા મધના પૂડા અચાનક ઉડતા અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ હુમલો કરતા 10થી વધુ રાહદારીઓ અને વાહનચાલકોને ગંભીર ડંખ માર્યા હતા.
આતંક એટલો પ્રબળ હતો કે હાઈવે પરથી પસાર થતા બાઈક ચાલકો પોતાના વાહનો રસ્તા પર જ મૂકીને જીવ બચાવવા નજીકના તળાવના પાણીમાં કૂદી પડયા હતા.
આ ઘટનાને પગલે આસપાસના લારી-ગલ્લાના વેપારીઓને પણ ધંધા-રોજગાર બંધ કરવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા લખતરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કડુ ગામ પાસે અવારનવાર સર્જાતા મધના આતંકને કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
