મંદિરના ભંડોળનો ઉપયોગ લગ્ન મંડપ માટે કરવાના તમિલનાડુ સરકારના પાંચ આદેશોને પણ રદ કર્યા
મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે મંદિરને દાનમાં આપવામાં આવેલા પૈસા હિન્દુ ધાર્મિક લોકો પાસેથી આવે છે. તેનો ઉપયોગ ધાર્મિક અથવા મંદિર જાળવણી માટે થઈ શકે છે. તેનો વ્યાપારી ઉપયોગ કરી શકાતો નથી. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભક્તો દ્વારા મંદિરને દાનમાં આપવામાં આવેલા પૈસા ફક્ત દેવતાનો છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ ફક્ત મંદિરના કોઈપણ કાર્ય માટે અથવા ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે થવો જોઈએ. આ નિર્ણયની સાથે, હાઈકોર્ટે 2023 થી 2025 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા 5 આદેશોને પણ રદ કર્યા, જેમાં મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને લગ્ન મંડપ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા મંદિરની મિલકત અને નાણાંના વ્યાપારી ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં, અરજદારે દાવો કર્યો હતો કે સરકારને મંદિરના નાણાંનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. અરજદારે દલીલ કરી હતી કે સરકાર મંદિરના નાણાંથી જે લગ્ન હોલ બનાવવા માંગે છે તેનો કોઈ ધાર્મિક હેતુ નથી, કારણ કે તે ભાડા પર આપવામાં આવી રહ્યા છે.
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે આ અઠવાડિયાની શરૂૂઆતમાં આ આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે તમિલનાડુ સરકાર મંદિરના સંસાધનોનો ઉપયોગ ફક્ત મંદિરોના જાળવણી અને વિકાસ અને તેનાથી સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવા માટે બંધાયેલી છે. તેનો વ્યાપારી ઉપયોગ કરી શકાતો નથી.
રાજ્ય સરકાર વતી વકીલ વીરા કથિરાવનએ દલીલ કરી હતી કે મંદિરના નાણાંનો ઉપયોગ ફક્ત સમાજ માટે થઈ રહ્યો છે. જે ઇમારતો બનાવવામાં આવી છે તેમાં ફક્ત ધાર્મિક રિવાજો મુજબ કરવામાં આવતા હિન્દુ લગ્નોને જ મંજૂરી આપવામાં આવશે. રાજ્યએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પૈસા જારી કરવામાં આવ્યા નથી અને તમામ પ્રસ્તાવિત બાંધકામ કાર્યો માટે જરૂૂરી પરવાનગીઓ મેળવવામાં આવશે. જોકે, હાઈકોર્ટે રાજ્યના આ દલીલને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેણે ઠરાવ્યું હતું કે હિન્દુ લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે પરંતુ તેમાં હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ કરારના તત્વો પણ શામેલ છે. તેથી, ઇંછઈઊ અધિનિયમ હેઠળ હિન્દુ લગ્ન પોતે ‘ધાર્મિક હેતુ’ નથી.
કોર્ટે કહ્યું, ભક્તો દ્વારા મંદિર અથવા દેવતાને દાનમાં આપવામાં આવેલી જંગમ અને સ્થાવર મિલકત પર દેવતાનો અધિકાર છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ ફક્ત મંદિરોમાં તહેવારોની ઉજવણી માટે અથવા મંદિરની જાળવણી માટે અથવા વિકાસ માટે થઈ શકે છે. મંદિરના પૈસાને જાહેર પૈસા કે સરકારી પૈસા ગણી શકાય નહીં. આ પૈસા હિન્દુ ધાર્મિક લોકો દ્વારા આપવામાં આવે છે, તે તેમના ધાર્મિક રિવાજો, પ્રથાઓ અથવા વિચારધારાઓ પ્રત્યે ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણને કારણે આપવામાં આવ્યા છે.
