રાજકોટ સહિત ગુજરાતમાં એપ્રિલના પ્રારંભે જ ગરમીએ ભુક્કા કાઢવાનું શરૂ કરી દીધું છે અને તાપમાનનો પારો ગઈકાલે 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આજે પણ તાપમાન 43 ડિગ્રીએ ધખધખી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તા. 9 સુધી ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઈકાલે ભૂજમાં રેકોર્ડબ્રેક 44.5 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે રાજકોટમાં બપોરે અઢી વાગ્યે 43 ડિગ્રી ગરમી નોંધાઈ છે. કચ્છનું ભૂજ શહેર ગઈકાલે 44.5 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપેલ છે. જ્યારે આવતીકાલે રવિવારે કચ્છમાં રેડ એલર્ટ તેમજ મોરબી-રાજકોટમાં ઓરેન્જ અને બનાસકાંઠા-પાટણ-મહેસાણા તથા સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે.
આ ઉપરાંત સોમવારે પણ કચ્છમાં રેડ, રાજકોટ-મોરબીમાં ઓરેન્જ અને બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-મહેસાણા તથા ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. તા. 8 અને 9મીએ કચ્છમાં ઓરેન્જ તેમજ રાજકોટ મોરબી સહિત આઠ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. તા. 10 થી ગરમીમાં રાહત મળવાની આશા છે.
