મેગેઝિનના ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલ સામેના બળાત્કાર કેસ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગોવામાં બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તરુણ તેજપાલને દોષિત ઠેરવ્યા છે. બન્ને પક્ષના વકીલોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે તેજપાલને 10 વર્ષની જેલની સજા ફરમાવી હતી.
ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ એમ.એસ. જવાલકરની બનેલી ડિવિઝન બેન્ચે 2013ના જાતીય શોષણ કેસમાં તેજપાલને નિર્દોષ જાહેર કરવાના 2021ના નિર્ણય સામે સરકારની અપીલ પર આ ચુકાદો આપ્યો હતો.
અગાઉ, ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે, ફરિયાદ પક્ષે જાળવી રાખ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ખામીયુક્ત હતો. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું, “અમે ટ્રાયલ કોર્ટના ચુકાદા અને આદેશને બાજુ પર રાખ્યો છે અને તરુણ તેજપાલને દોષિત ઠેરવ્યા છે.
અગાઉ વરિષ્ઠ વકીલ આબાદ પોંડાએ સજાના મુદ્દા પર દલીલો શરૂૂ કરતા કહ્યું: “આરોપીનો આ પહેલો ગુનો છે. તે 62 વર્ષનો વરિષ્ઠ નાગરિક છે.” વિનંતી કરવામાં આવે છે કે કોર્ટ ઉદારતા દાખવે અને ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ નિર્ધારિત લઘુત્તમ સજા ફટકારે. તરુણ તેજપાલના વકીલે કોર્ટને વિનંતી કરી કે આરોપીએ અગાઉ ભોગવેલા છ મહિનાના કસ્ટડીના સમયગાળાને પણ ધ્યાનમાં લે. જેલમાં હોવા છતાં તેમના તરફથી કોઈ ગેરવર્તણૂક કે ખરાબ વર્તન અંગે કોઈ ફરિયાદ મળી નથી.
કોર્ટે તરુણ તેજપાલને ચુકાદા અંગે બોલવાની મંજૂરી આપી. તરુણ તેજપાલે કહ્યું કે છેલ્લા 30 વર્ષથી, અમે તથ્યો અને સત્યને પ્રકાશમાં લાવવાનું કામ કરી રહ્યા છીએ. સ્પષ્ટપણે, આજે તેનું કોઈ મહત્વ નથી. હું બે પુત્રીઓનો પિતા છું અને મારો પરિવાર છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હવે અમારી પાસે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે… મારા વકીલે મને સજામાં ઉદારતા માટે કોર્ટમાં અપીલ કરવાની સલાહ આપી છે.
