ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં મૂકી દીધો છે. મહુલી ગામમાં લગભગ 100 વર્ષ જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં તેમાં સૂતેલા એક જ પરિવારના છ સભ્યોના કરુણ મોત થયા છે. જ્યારે પરિવારનો એક યુવાન ચમત્કારિક રીતે બચી ગયો છે.
પ્રતાપગઢ જિલ્લાના મહુલી ગામમાં ગુરુવારે વહેલી સવારે અંદાજે 2 વાગ્યાના સમયે આ દુર્ઘટના બની હતી. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે પહેલેથી જ નબળી સ્થિતિમાં રહેલું લગભગ સદી જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. તે સમયે પરિવારના તમામ સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા. મકાન પડતાં જ સમગ્ર પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો.
જોરદાર અવાજ અને ચીસો સાંભળીને ગામલોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસ તથા પ્રશાસનને જાણ કરી. બચાવ ટીમે તમામ લોકોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા.
