હર્ષિત રાણાની પણ પ્રશંસા કરી, હવે 21મીથી ન્યૂઝીલેન્ડ સાથેનીT-20 શ્રેણીનો પ્રારંભ
ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે, કારણ કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય ધરતી પર એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં કિવી ટીમે ભારતને 41 રને પરાજય આપીને 3 મેચની શ્રેણી 2-1 થી પોતાની તરફ કરી હતી.
નવાઈની વાત એ છે કે કેન વિલિયમસન, મેટ હેનરી અને મિશેલ સેન્ટનર જેવા દિગ્ગજ સ્ટાર્સની ગેરહાજરીમાં માઈકલ બ્રેસવેલની કેપ્ટનશીપ હેઠળની ટીમે દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી ’ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીએ મુશ્કેલ સમયમાં બાથ ભીડીને શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઘરઆંગણે મળેલી આ કારમી હાર બાદ ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલે ખુલીને વાત કરી હતી અને હારના કારણો પર પ્રકાશ ફેંક્યો હતો. ગિલે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં સ્વીકાર્યું કે ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. તેણે કહ્યું, “પહેલી મેચ બાદ શ્રેણી 1-1 થી બરાબરી પર હતી, પરંતુ નિર્ણાયક મેચમાં અમે જે રીતે રમ્યા તેનાથી અમે ખૂબ જ નિરાશ છીએ. એવા ઘણા ક્ષેત્રો છે જેના પર આપણે ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવાની અને સુધાર કરવાની જરૂૂર છે.” જોકે, તેણે વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે વિરાટ જે લયમાં બેટિંગ કરી રહ્યો છે તે ટીમ માટે હંમેશા સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.
હાર વચ્ચે પણ શુભમન ગિલે કેટલાક ખેલાડીઓના પ્રદર્શનને સકારાત્મક ગણાવ્યું હતું. તેણે ખાસ કરીને હર્ષિત રાણાની પ્રશંસા કરતા કહ્યું કે, “8 નંબર પર આવીને બેટિંગ કરવી અને રન બનાવવા આસાન નથી હોતું, પરંતુ રાણાએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. ઝડપી બોલરોનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું.” આ ઉપરાંત, આગામી ટી20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ગિલે ટીમની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેણે કહ્યું કે મેનેજમેન્ટ નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને વધુ તકો અને ઓવરો આપવા માંગે છે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21 જાન્યુઆરીથી નાગપુરમાં 5 મેચની ટી20 શ્રેણીનો પ્રારંભ થશે, જેની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ શ્રેણી વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ત્યારબાદ ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીથી શરૂૂ થતા ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.
ન્યૂઝીલેન્ડ સામે વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો વિરાટનો રેકોર્ડ
કોહલીનું ફોર્મ છેલ્લા એક વર્ષથી સાતમા આસમાને છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રનનો ખડકલો કર્યા બાદ, ન્યુઝીલેન્ડ સામેની આ ત્રીજી વનડેમાં તેણે માત્ર 91 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિરાટની વનડે કારકિર્દીની 54મી સદી છે, જ્યારે ટેસ્ટ, વનડે અને ટી20 મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કુલ 85મી સદી છે. હવે તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના 100 સદીના મહારેકોર્ડથી માત્ર 15 કદમ દૂર છે. આ સદી સાથે વિરાટ કોહલીએ એક ખાસ અને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેણે ભારતના જ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંને પાછળ છોડી દીધા છે. અત્યાર સુધી આ ત્રણેય ખેલાડીઓ 6-6 સદી સાથે બરાબરી પર હતા, પરંતુ હવે કોહલી કિવી ટીમ સામે 7 સદી ફટકારીને આ લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર અને સનથ જયસૂર્યા 5-5 સદી સાથે પાછળ છે. આમ, કોહલીએ એક જ ઇનિંગથી બે મોટા દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.
