લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર રહેલો મયંક અગ્રવાલ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પોતાનો દમ દેખાડશે. 35 વર્ષીય ખેલાડીએ કાઉન્ટી ટીમ ડરહામ સાથે કરાર કર્યો છે અને 2026 કાઉન્ટી ચેમ્પિયનશિપની અંતિમ 4 મેચોમાં રમતો જોવા મળશે.
ડરહામના હેડ કોચ રાયન કેમ્પબેલે જણાવ્યું હતું કે ડેવિડ બેડિંગહામના દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા બાદ ટીમને એક આંતરરાષ્ટ્રીય બેટ્સમેનની જરૂૂર હતી. આ ભૂમિકા મયંક ભરવા માટે યોગ્ય છે. ઇંગ્લેન્ડ ટીમમાંથી નિવૃત્તિ લીધા પછી બેન સ્ટોક્સ પણ હાલમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ માટે રમી રહ્યો છે. મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા માટે 21 ટેસ્ટ અને 5 વનડે રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદી ફટકારી છે, જેમાં ભારત માટે તેનો છેલ્લો દેખાવ 2022માં થયો હતો.
ફર્સ્ટ-ક્લાસમાં તેનો પ્રભાવશાળી રેકોર્ડ છે, તેણે આ ફોર્મેટમાં લગભગ 9,000 રન બનાવ્યા છે. તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી દરમિયાન, મયંકે 21 સદી અને 48 અડધી સદી ફટકારી છે. તે આઇપીએલમાં પાંચ અલગ અલગ ટીમો માટે રમ્યો છે, જેમાં 131 મેચોમાં 2,756 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલે 2018માં તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા. મયંકના સસરા પ્રવીણ સૂદ છે, જે હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
