કિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન

T20ના ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બોલરોના છોતરા કાઢી નાખતા ભારતીય બેટબંકાઓ બેટ-બોલના જંગમાં ભારતનો ધુંવાધાર દેખાવ, એક તરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રને કચડયું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં…

T20ના ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બોલરોના છોતરા કાઢી નાખતા ભારતીય બેટબંકાઓ

બેટ-બોલના જંગમાં ભારતનો ધુંવાધાર દેખાવ, એક તરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રને કચડયું

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શક્તિશાળી ગણાતી ન્યુઝીલેન્ડની ટીમને ઘોબી પછડાટ આપી ભારતે પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો અને ટી-20 વર્લ્ડકપમાં ત્રીજી વખત ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો હતો.

ભારતીય ટીમ ટોસ હારતા ન્યુઝીલેન્ડ પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.પરંતુ તેનો આ જુગાર વિફળ ગયો હતો અને ભારતીય બોલરોએ કિવિઝના બોલરોના છોતરા કાઢી નાખ્યા હતાં અને ટી-20 વર્લ્ડકપના ફાઈનલનો સૌથી મોટો 254 રનનો જુમલો ખડકી દીધો હતો. જ્યારે બોલિંગ ક્ષેત્રે પણ ભારતીય ટીમે પ્રભાવ જાળવી રાખી કિવી ટીમને 159 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી.

ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 255 રન બનાવ્યા હતા અને ન્યૂ ઝીલેન્ડને 159 રન પર ઓલઆઉટ કર્યું હતું. જીત સાથે ભારત ટી20 વર્લ્ડ કપ ત્રણ વખત જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હતી. ભારતીય ટીમે આ મહાજીત સાથે જ અમદાવાદના આ મેદાન પર 19 નવેમ્બર 2023ના રોજ વન ડે વર્લ્ડ કપમાં થયેલી હારને પણ ભૂલાવી હતી.

આ મહામુકાબલા પહેલા દરેકના મનમાં સવાલ હતો કે ભારત અહીંયા કેવી રીતે મુકાબલો જીતશે. તેની પાછળનું કારણ 2023ની કડવી યાદો હતી. તે સમયે ટીમ ઈન્ડિયા વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. ભારત ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વગર ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ખિતાબ જીતી શક્યું નહોતું.

ટી20 વર્લ્ડ કપમાં પણ ભારત એક મેચ હાર્યું હતું. તે મેચ પણ દક્ષિણ આફ્રિકા સામે આ મેદાન પર હતી. તેથી ફેન્સના મનમાં આખરે ટીમ ઈન્ડિયા હારનું મેણું કેવી રીતે ભાંગશે તેને લઈ સવાલ હતો. પરંતુ ભારતે ચેમ્પિયન બનીને કડવી યાદને ભૂલાવી દીધી હતી. જીતની સૌથી મોટી વાત ટીમ ઈન્ડિયાએ અમદાવાદની પિચને સારી રીતે સમજી હતી અને તે મુજબ પ્લાનિંગ કર્યું હતું.

ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો પાડ્યો હતો. ભારતે 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 46 બોલમાં 89 રન બનાવ્યા અને ત્રીજી વખત સદીથી થોડો દૂર રહ્યો હતો. આ ઉપરાંત ઈશાન કિશને 25 બોલમાં 54 રન, અભિષેક શર્માએ 21 બોલમાં 52 રન બનાવ્યા હતા. શિવમ દુબે 8 બોલમાં 26 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ભારતે સતત બીજી વખતે આ ટુર્નામેન્ટમાં 250થી વધુ રન બનાવ્યા હતા.

256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂ ઝીલેન્ડની ટીમ શરૂૂઆતથી જ દબાણમાં હતી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પરત ફરવાનો મોકો જ મળ્યો નહોતો. નવમી ઓવર સુધીમાં ન્યૂ ઝીલેન્ડનો સ્કોર 5 વિકેટ પર 72 રન હતો અને ત્યાંથી જ મેચનું પરિણામ નક્કી થઈ ગયું હતું. ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરીને 19 ઓવરમાં 159 રનમાં ન્યૂ ઝીલેન્ડને ઓલઆઉટ કર્યું હતું. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

બેડ લક કિવિઝ : 4 વખત ફાઈનલમાં પહોંચવા છતાં ટ્રોફીનું સ્વપ્નું અધુરું

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડને એક મજબૂત અને સંતુલિત ટીમ તરીકે માનવામાં આવે છે. ખાસ કરીને વર્લ્ડ કપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ટીમે સતત સારો દેખાવ કર્યો છે. તેમ છતાં, મહત્વની ક્ષણોમાં જીતથી એક પગલું દૂર રહી જવાની ઘટના ન્યુઝીલેન્ડ માટે વારંવાર બની છે. ક્રિકેટના બંને મુખ્ય વર્લ્ડ કપ ફોર્મેટ-વન ડે અને T20-માં ન્યુઝીલેન્ડે ચાર વખત ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો છે.

આ સિદ્ધિ પોતે જ મોટી ગણાય છે, કારણ કે વિશ્વની અનેક ટીમો માટે ફાઇનલ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય છે. છતાં, ન્યુઝીલેન્ડ માટે આ ચારેય ફાઇનલ અંતે નિરાશામાં બદલાઈ ગઈ.વન ડે વર્લ્ડ કપની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે પ્રથમ વખત 2015 માં ફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઇનલ મેચમાં જીત હાંસલ કરવામાં ટીમ નિષ્ફળ રહી અને ટ્રોફી હાથમાંથી સરકી ગઈ.

ત્યારબાદ 2019 ના વન ડે વર્લ્ડ કપમાં પણ ન્યુઝીલેન્ડ ફરી એકવાર ફાઇનલ સુધી પહોંચ્યું. આ ફાઇનલ ક્રિકેટ ઇતિહાસની સૌથી નાટકીય મેચોમાંથી એક ગણાય છે. મેચ ટાઈ થઈ જતા સુપર ઓવર સુધી પહોંચી, છતાં અંતે ન્યુઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો.

T20 વર્લ્ડ કપમાં પણ ન્યુઝીલેન્ડે પોતાની ક્ષમતા સાબિત કરી છે. ટીમે 2021 માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. તે સમયે ટીમ પાસે ટ્રોફી જીતવાની મોટી તક હતી, પરંતુ અંતિમ મુકાબલામાં જીત મેળવી શકી નહીં.

આ જ સ્થિતિ 2026 ના T20 વર્લ્ડ કપમાં ફરી જોવા મળી. ન્યુઝીલેન્ડે ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચ્યું, પરંતુ આ વખતે પણ ટીમ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી. આ રીતે ન્યુઝીલેન્ડ વિશ્વ કપના બંને ફોર્મેટમાં ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હોવા છતાં હજુ સુધી ખિતાબ જીતવાનો સ્વપ્ન પૂરું કરી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *