આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. . આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા પણ તેમની સાથે હાજર હતાં.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. જ્યારે શુભમન ગિલને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર પણ આ ટીમનો ભાગ છે. યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીની આખરે ટીમ ઈન્ડિયામાં વાપસી થઇ છે. તે ઘણાં સમયથી ઈજાને કારણે ટીમથી બહાર હતો. જોકે બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત હતો. તેને પીઠમાં ઈજા થઇ હતી. જોકે તેમ છતાં બુમરાહને ફરી ટીમમાં સામેલ કરાયો છે. જોકે શમીની એન્ટ્રીથી હવે ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. તે ગ્રુપ સ્ટેજમાં આ ત્રણેય ટીમો સામે એક-એક મેચ રમશે. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે, આ મેચમાં તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે પોતાની બીજી મેચ રમશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, ગ્રુપની તેની છેલ્લી મેચમાં, તે 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી સેમિફાઇનલ અને પછી ફાઇનલ રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 1998 માં થઈ હતી. ભારતે અત્યાર સુધીમાં બે વાર આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2002 માં, ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા આ ટુર્નામેન્ટના સંયુક્ત વિજેતા હતા. જ્યારે, વર્ષ 2013 માં, ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ, આ ટુર્નામેન્ટ આઠ વર્ષ પછી પરત ફરવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2017 માં યોજાઈ હતી. ત્યારે પાકિસ્તાને ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત.