વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ
રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી, વાંધા અરજીઓ અને નોટિસની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની સમીક્ષા કરવા માટે મંગળવારે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.
દિલ્હીથી આવેલા સરના મુખ્ય અધિકારીઓએ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં: મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં બાકી રહેલી કામગીરીને સમયમર્યાદામાં કેવી રીતે પૂર્ણ કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જે અરજીઓ આવી છે તેનું ત્વરિત નિરાકરણ લાવવું.ફોર્મ નં. 7 આ ફોર્મના નિકાલ માટેની ટેકનિકલ સમજ અને પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી. લોકોને રૂૂબરૂૂ બોલાવતી વખતે તેમની સાથે કેવું વર્તન કરવું અને તેમની રજૂઆતોને કેવી રીતે સાંભળવી તે અંગે પણ સૂચના અપાઈ હતી. ફાઇનલ મતદાન યાદીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટેની પદ્ધતિસરની માહિતી અધિકારીઓને પૂરી પાડવામાં આવી હતી.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલન સાથે ચાલી રહેલી આ કામગીરી હવે આખરી ઓપ લઈ રહી છે, જેનાથી આગામી સમયમાં પ્રોજેક્ટની ગતિમાં વધારો થશે.
