મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરા આવકનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા સિલીંગ જપ્તી સહિતની કાર્યવાહી ઉપરાંત વ્યાજ માફી યોજના લાગુ કરી છે જેને જબરો પ્રતિસાદ સાંપડતાં વર્ષ પુરૂ થવાને હજુ 15 દિવસ બાકી છે ત્યારે 438442 કરદાતાઓએ રૂા.400.89 કરોડનો વેરો ભરપાઈ કરી દેતાં આ વખતે લક્ષ્યાંક પૂર્ણ થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે આ સમય દરમિયાન 407276 કરદાતાઓએ 390.86 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. જેમાં આ વખતે 31166 કરદાતાઓનો વધારો અને રૂા.10.03 કરોડની વધુ આવક વેરા વિભાગમાં નોંધાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે મિલ્કતવેરા તથા પાણીવેરાની વસુલાત કામગીરી તા.09-04-2025 થી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા સઘન આયોજન, સતત અનુસરણ તથા વિવિધ જનજાગૃતિ પ્રયાસોના પરિણામે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કરદાતાઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.વર્ષ 2025-26 દરમ્યાન કુલ 4,38,442 કરદાતાઓ દ્વારા રૂૂ.400.89 કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, ગયા વર્ષ એટલે કે વર્ષ 2024-25 દરમિયાન 4,07,276 કરદાતાઓ દ્વારા રૂૂ.390.86 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો. તેની તુલનામાં ચાલુ વર્ષે 31,166 જેટલા વધુ કરદાતાઓએ વેરો ભર્યો છે તેમજ રૂૂ.10.03 કરોડ જેટલી વધારાની આવક મહાનગરપાલિકાની તિજોરીમાં જમા થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ ચાલુ નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલ રૂૂ.400 કરોડના ટાર્ગેટને આજ દિન સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જે શહેરના કરદાતાઓના સહકાર તથા મહાનગરપાલિકાના કર્મચારીઓના સંકલિત પ્રયત્નોનું પરિણામ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે રૂૂ.5000 સુધીની વ્યાજ માફી યોજના અમલમાં છે. જેના કારણે શહેરના અનેક કરદાતાઓ પોતાનો બાકી વેરો ભરપાઈ કરવા આગળ આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને નમ્ર અનુરોધ કરવામાં આવે છે કે, તા.31 માર્ચ સુધીમાં પોતાનો બાકી મિલ્કતવેરો તથા પાણીવેરો ભરપાઈ કરી રૂૂ.5000 સુધીની વ્યાજ માફીનો લાભ અવશ્ય મેળવે અને શહેરના વિકાસકાર્યોમાં પોતાનો સહયોગ આપે.
આ સમગ્ર કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં નાયબ કમિશનરશ્રી સી.કે. નંદાણી, સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ કમિશનરશ્રી કાશ્મીરાબેન વાઢેર, વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ કમિશનરશ્રી દીપેન ડોડીયા, ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ કમિશનરશ્રી એચ.પી. રૂૂપારેલીયા, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા, ગૌરવ ઠક્કરના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તમામ વોર્ડ ઓફિસર તથા ટેક્સ ઇન્સ્પેક્ટરશ્રીઓ દ્વારા સઘન વેરા વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં બાકીદારો સામે સીલિંગ તથા રીકવરીની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે, જેથી બાકી રહેલ વેરાની અસરકારક રીતે વસુલાત થઈ શકે. રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત શહેરના તમામ નાગરિકોને અપીલ કરે છે કે, વ્યાજ માફી યોજનાનો લાભ લઈ સમયસર વેરો ભરપાઈ કરી શહેરના વિકાસમાં ભાગીદાર બને.
