તમામ નવા સાંસદોએ કોન્સ્ટિટયુશન રિફોર્મમાં સહી કરવાની શરતનું નવી સરકારે ફિંડલુ વાળ્યું
બાંગ્લાદેશમાં નવો અધ્યાય શરૂૂ થયો છે. દેશમાં નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાને શપથગ્રહણ કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તારિકે વડાપ્રધાન બન્યા પહેલા મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકારને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં શપથગ્રહણ પહેલા મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકારે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેને રહેમાને વડાપ્રધાન બનતા પહેલાં જ નકારી કાઢ્યો છે.
યુનુસના પ્રસ્તાવમાં તમામ નવા સાંસદોએ ‘કોન્સ્ટિટ્યૂશન રિફોર્મ કાઉન્સિલ’ એટલે કે બંધારણીય સુધારા પરિષદના સભ્ય તરીકે એક શપથ પત્ર પર હસ્તાક્ષર કરવાના હતા. જોકે શપથગ્રહણ સમારોહની શરૂૂઆતમાં જ તારિકની ‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (BNP)એ યુનુસના પ્રસ્તાવને મનમાની ગણાવી નકારી કાઢ્યો છે.
બીએનપી દ્વારા પ્રસ્તાવ નકારી કાઢવાના નિર્ણયથી યુનુસના તે પ્રયાસોને ઝટકો લાગ્યો છે, જેમાં તેઓ બંધારણમાં મોટો ફેરફાર કરવા ઈચ્છતા હતા. કાઉન્સિલનો ઉદ્દેશ્ય ચૂંટણીની સાથે લોકમતના આધારે બાંગ્લાદેશના બંધારણમાં સંશોધન કરવાનો હતો.
બીએનપીના નેતા સલાઉદ્દીન અહમદે તારિક રહેમાનની ઉપસ્થિતિમાં સ્પષ્ટ કહ્યું કે, ‘પાર્ટી પ્રમુખ તારિક રહેમાને નિર્દેશ બાદ બીએનપીના તમામ નવા સાંસદો કહેવાયું છે કે, તેઓ કોન્સ્ટિટ્યૂશન રિફોર્મ કાઉન્સિલના ફોર્મ પર હસ્તાક્ષર ન કરે, કારણ કે સાંસદોને કાઉન્સિલ દ્વાર નહીં, પંરતુ પ્રજાએ સભ્ય તરીકે ચૂંટ્યા છે. કોન્સ્ટિટ્યૂશન રિફોર્મ કાઉન્સિલ વર્તમાન બંધારણનો ભાગ નથી. પાર્ટીનું માનવું છે કે બંધારણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અથવા નવી પરિષદની રચના જનમત સંગ્રહના પરિણામો અને સંસદીય ચર્ચાઓના આધારે થવી જોઈએ.’ તારિક રહેમાનના શપથ ગ્રહણ સાથે જ બાંગ્લાદેશમાં છેલ્લા 18 મહિનાથી કાર્યરત મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના શાસનનો અંત આવ્યો છે.
