મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલાની આસપાસનું ધાર્મિક અને રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. ભોજ ઉત્સવ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી શુક્રવારે 721 વર્ષ પછી ભોજશાલા પરિસરમાં સામૂહિક અખંડ પૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતને પગલે સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
ભોજ ઉત્સવ સમિતિના આશ્રયદાતા અશોક જૈને જણાવ્યું હતું કે, આ શુક્રવાર હિન્દુ સમુદાય માટે ગર્વનો દિવસ છે. કોર્ટના નિર્ણય બાદ હવે પૂજા કરવાનો ઐતિહાસિક મોકો મળ્યો છે. સમિતિની યોજના અનુસાર, શુક્રવારે બપોરે 12:00 વાગ્યે હિન્દુ સમુદાયના લોકો ધન મંડી ખાતે એકત્રિત થશે અને ત્યાંથી એક ભવ્ય શોભાયાત્રા કાઢીને ભોજશાલા પહોંચશે, જ્યાં બપોરે 1:00 વાગ્યે મહા આરતી કરવામાં આવશે. અગાઉ દર શુક્રવારે અહીં તકરાર થતી હતી, પરંતુ આ વખતે કોર્ટના આદેશો બાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાનો દાવો સમિતિએ કર્યો છે.
આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારના કલેક્ટર રાજીવ રંજન મીણા અને પોલીસ અધિક્ષક સચિન શર્માની અધ્યક્ષતામાં એક તાકીદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન આદેશોનું અક્ષરશ: પાલન કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં.
પોલીસ અધિક્ષક સચિન શર્માએ તમામ ધાર્મિક નેતાઓ અને નાગરિકોને શાંતિ તેમજ પરસ્પર સૌહાર્દ જાળવવા અપીલ કરી છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે વહીવટી તંત્રની પૂર્વ પરવાનગી વિના કોઈપણ નવી ધાર્મિક પરંપરા શરૂૂ કરી શકાશે નહીં. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ભડકાઉ કે ભ્રામક પોસ્ટ મૂકનારા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવામાં સહકાર આપવા વિનંતી કરી છે.
