અઢી લાખ શિક્ષકોના ગૌરવ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્ર્નો એક મંચ પર: કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટના અધ્યક્ષ સંજયભાઈ હુંબલ, મહામંત્રી સાગરભાઈ પોપટ તથા સંગઠન મંત્રી રામલાલભાઈ શિંગાળાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, વર્ષ 2010 પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષક મિત્રો આજે એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં વર્ષો સુધીની નિષ્ઠાપૂર્વકની સેવા છતાં તેમના ભવિષ્ય અંગે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. આ માત્ર કાયદાકીય કે વહીવટી પ્રશ્ન નથી, પરંતુ હજારો શિક્ષક પરિવારોની લાગણીઓ, તેમના સંતાનોના ભવિષ્ય અને શિક્ષકના સ્વાભિમાન સાથે જોડાયેલો વિષય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષક સમાજ હંમેશા પોતાના વિદ્યાર્થીઓના હિત માટે લડતો આવ્યો છે, પરંતુ આજે સમય એવો આવ્યો છે કે શિક્ષકને પોતાના હિત અને પોતાના અસ્તિત્વ માટે અવાજ ઉઠાવવાની ફરજ પડી છે. વર્ષોથી શાળાઓમાં સેવા આપતા શિક્ષક મિત્રોના મનમાં આજે એક જ પ્રશ્ન છે “શું અમારી વર્ષોની મહેનત, સમર્પણ અને સેવા સામે પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે?”
જિલ્લા આગેવાનોએ જણાવ્યું કે, આ લડત માત્ર વર્ષ 2010 પૂર્વેના શિક્ષકોની નથી. આજે જો આપણે મૌન રહીશું તો આવતીકાલે સમગ્ર શિક્ષક સમાજ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી આ પ્રશ્ન સમગ્ર રાજ્યના લગભગ અઢી લાખ શિક્ષકોના ગૌરવ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલો છે.
સંજયભાઈ હુંબલે જણાવ્યું કે, “આજે આપણે કોઈ સંગઠન, સંવર્ગ કે વ્યક્તિ તરીકે નહીં, પરંતુ એક પરિવાર તરીકે ઉભા રહેવાની જરૂૂર છે. જ્યારે પરિવારના એક સભ્ય પર સંકટ આવે ત્યારે આખો પરિવાર તેની સાથે ઊભો રહે છે. આજે એ જ ભાવનાની જરૂૂર છે.”
સાગરભાઈ પોપટે જણાવ્યું કે, “આ લડત કોઈની સામે નથી, પરંતુ શિક્ષકના ન્યાય, ગૌરવ અને અધિકાર માટે છે. આપણે લોકશાહી પદ્ધતિથી પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ.”
રામલાલભાઈ શિંગાળાએ જણાવ્યું કે, “શિક્ષક માત્ર પોતાનો જ નહીં, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્યનો રક્ષક છે. શિક્ષકનું મનોબળ તૂટશે તો આવતી પેઢીઓ પર તેની અસર પડશે. તેથી દરેક શિક્ષક મિત્રએ આ પ્રશ્નને પોતાનો પ્રશ્ન માનીને આગળ આવવું જોઈએ.”
આ સંદર્ભે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા તા. 18 જૂન, 2026ના રોજ બપોરે 3:00 થી 5:00 કલાક દરમિયાન સરદાર પટેલ સાહેબની પ્રતિમા સામે, બહુમાળી ભવન ચોક, રેસકોર્સ, રાજકોટ ખાતે એક દિવસીય પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીને સંબોધિત આવેદનપત્ર કલેક્ટર મારફતે પાઠવવામાં આવશે.
જિલ્લાના તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, HTAT તથા અન્ય તમામ શિક્ષક મિત્રોને ભાવભરી અપીલ કરવામાં આવે છે કે, સંગઠન કે સંવર્ગના ભેદભાવથી ઉપર ઊઠીને એક પરિવારની જેમ આ કાર્યક્રમમાં જોડાઈ શિક્ષક એકતાનો શક્તિશાળી સંદેશ આપવો.
