મીઠાઇ કે ધીમું ઝેર? કાજુ કતરીમાં ચાંદીના બદલે એલ્યુ.ની વરખ ધાબડવાનું કારસ્તાન

પનીર-દૂધ આધારિત મીઠાઇમાં મોટાપાયે ભેળસેળ, 46 ટન નકલી ઘી ઝડપાયું નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો નજીક આવતાં જ બજારમાં ભેળસેળિયા તત્ત્વો સક્રિય થઈ ગયા છે,…

પનીર-દૂધ આધારિત મીઠાઇમાં મોટાપાયે ભેળસેળ, 46 ટન નકલી ઘી ઝડપાયું

નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો નજીક આવતાં જ બજારમાં ભેળસેળિયા તત્ત્વો સક્રિય થઈ ગયા છે, જેઓ નફાખોરી માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ 2025 દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં આ ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ તપાસમાં રૂૂપિયા 1.8 કરોડની કિંમતનો 46 ટન જેટલો નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ઘી, પનીર, ચાંદીની વરખ, પામ તેલ અને કાજુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે શ્રાદ્ધપક્ષ પછી તહેવારોની સિઝન શરૂૂ થતાં મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ્સ અને તેલની માંગમાં ભારે વધારો થાય છે. આ માંગનો લાભ ઉઠાવીને કેટલાક વેપારીઓ નકલી અને હલકી ગુણવત્તાવાળા પદાર્થોનું વેચાણ કરે છે. ખાસ કરીને ઘી, પનીર અને દૂધ આધારિત ઉત્પાદનોમાં સૌથી વધુ ભેળસેળ જોવા મળે છે. મીઠાઈ પર વપરાતી ચાંદીની વરખ પણ ઘણીવાર એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકના પાઉડરથી બનેલી હોય છે, જે શરીર માટે અત્યંત નુકસાનકારક છે.

ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ફક્ત આર્થિક નુકસાન જ નહીં, પરંતુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે, ઘી અને તેલમાં મિશ્રિત મિનરલ ઓઇલ અને કેમિકલ્સ લાંબા ગાળે લીવર, કિડની અને હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. નકલી પનીર અને અન્ય રાસાયણિક મિશ્રિત વસ્તુઓ ફૂડ પોઈઝનિંગ અને પેટના રોગોનું કારણ બની શકે છે. કાજુ જેવી મોંઘી વસ્તુઓમાં પણ નકલી કે બગડેલા દાણા ભેળવવામાં આવે છે, જે પાચનતંત્રને સીધી અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *