જામનગરમાંથી 324 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અટકાવી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન…

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અટકાવી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના આદેશ અનુસાર હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી 324 કિલો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જ્યારે વનસ્પતિ તેલ, પામ તેલ તથા કલર-ફ્લેવરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોકુલનગર વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરી વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા.

ફૂડ વિભાગની ટીમે ગ્રેન માર્કેટમાં ખાંડ બજારની પાછળ આવેલા મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશના કાશ ટ્રેડર ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી 324 કિલો ઘીનો જથ્થો મળી આવતાં તેનો નમૂનો લઈ રૂૂ. 1,13,400ની કિંમતનો જથ્થો ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રોટો વનસ્પતિ તેલના 16 ખાલી ડબ્બા અને ચાર ભરેલા ડબ્બા, સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામ તેલના બે ખાલી ડબ્બા અને સાડા ત્રણ ભરેલા ડબ્બા તેમજ પાંચ લિટર કલર અને ફ્લેવર પણ મળી આવ્યાં હતાં. આ જથ્થાની રૂૂ. 25,290ની કિંમતનો માલ નાશ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ફૂડ વિભાગની ટીમ દ્વારા ગોકુલનગર વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી. દુકાનોમાં ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે ટીપીસી તપાસ કરવામાં આવી હતી તેમજ મીઠાઈ અને ફરસાણના નમૂના લઈ પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોકુલનગરના હરિઓમ નમકીન એન્ડ સ્વીટમાંથી ગાંઠિયા અને ગુલાબ બરફીના નમૂના લેવામાં આવ્યા હતા. ધનલક્ષ્મી ફરસાણમાંથી બે કિલો પસ્તીનો નાશ કરી તીખા ગાંઠિયાનો નમૂનો લેવામાં આવ્યો હતો. વિશ્વા ફરસાણમાંથી થાબડી પેડાનો નમૂનો લેવામાં આવ્યો હતો. ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી દસ કિલો વાસી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સફેદ ટોપરાપાક અને મિક્સ ચવાણાના નમૂના લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત ખોડિયાર સ્વીટ એન્ડ ફરસાણ અને રાજારામ ફાસ્ટફૂડમાં પણ તપાસ કરવામાં આવી હતી. શ્રી રામ સ્વીટ એન્ડ નમકીનમાંથી મેસુબ અને ફરાળી ચેવડાના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની વિગતો મુજબ તપાસ દરમિયાન ઉપરોક્ત દુકાનોમાં ખાદ્યતેલની ટીપીસી ચકાસણીના પરિણામો યોગ્ય જણાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *