સૌરાષ્ટ્રના શૈક્ષણિક ધામ ગણાતા રાજકોટ શહેરની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાંથી ગુનાહિત માનસિકતા ધરાવતો અને શિક્ષણ જગતને શરમાવે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષા કે અભ્યાસ દરમિયાન ગેરરીતિ આચરવા બદલ સંસ્થામાંથી મહિલા પ્રોફેસર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા એક વિદ્યાર્થીએ બદલાની ભાવનાથી પીડાઈને મહિલા પ્રોફેસરની ગંભીર માનસિક સતામણી શરૂૂ કરી હતી. બદલો લેવાના હેતુથી આરોપી વિદ્યાર્થીએ મહિલા પ્રોફેસરના રહેણાંક ઘર તેમજ તેમની ઓફિસના સરનામે અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ મારફતે ઓનલાઈન ઓર્ડર કરીને સેક્સ ટોઈઝ, આપત્તિજનક સામગ્રી તેમજ કોન્ડમના પાર્સલ મોકલવાનું કૃત્ય આચર્યું હતું. આ મામલે મહિલા પ્રોફેસરે હિંમત દાખવી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી વિદ્યાર્થી દેવેન પંતને સકંજામાં લીધો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસર દ્વારા થોડા સમય પૂર્વે સંસ્થાના નિયમો મુજબ ગેરરીતિ આચરતા દેવેન પંત નામના વિદ્યાર્થી સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા હતા અને તેને સંસ્થામાંથી નિયમ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો અહંકાર અને રોષ મનમાં રાખીને વિદ્યાર્થીએ ગુનાહિત રસ્તો અપનાવ્યો હતો. તેણે મહિલા અધ્યાપક સામાજિક અને માનસિક રીતે હેરાન થાય તે હેતુથી ઈન્ટરનેટ અને વિવિધ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનું શરૂૂ કર્યું હતું.
દેવેન પંતે મહિલા પ્રોફેસરના ઘર તેમજ તેમની કોલેજ/ઓફિસના સરનામાનો ઉપયોગ કરીને તેમના નામે અશ્ર્લીલ અને આપત્તિજનક વસ્તુઓ, સેક્સ ટોઈઝ અને કોન્ડમના પાર્સલ અવારનવાર મોકલવાનું શરૂૂ કર્યું હતું. અચાનક આવેલ આવા અજાણ્યા અને અશ્ર્લીલ પાર્સલોથી મહિલા પ્રોફેસર અત્યંત અસ્વસ્થ બન્યા હતા અને તેમનો પરિવાર પણ ઊંડી માનસિક યાતનામાં મુકાયો હતો. વારંવાર બની રહેલી આ ઘટના બાદ મહિલા પ્રોફેસરે કોઈ પણ ડર વગર રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી લેખિત ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ગુનાની ગંભીરતા સમજીને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ઓનલાઈન ઓર્ડરના આઈપી એડ્રેસ ચકાસવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસની ઊંડાણપૂર્વકની ટેકનિકલ તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ તમામ ડિલિવરી ઓર્ડર સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થી દેવેન પંત દ્વારા જ કરવામાં આવી રહ્યા હતા. સાયબર પોલીસે ચોક્કસ બાતમી અને ડિજિટલ પુરાવાના આધારે આરોપી દેવેન પંતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ ધામમાં બનેલી આ શરમજનક ઘટનાને પગલે શૈક્ષણિક વર્તુળોમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. એક શિક્ષક દ્વારા શિસ્તના ભાગરૂૂપે લેવાયેલા પગલાં સામે આ પ્રકારનું નીચું અને વિકૃત કૃત્ય આચરનાર વિદ્યાર્થી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાયબર પોલીસ હાલ આ કેસમાં આરોપીએ અન્ય કોઈ ડિજિટલ માધ્યમથી સતામણી કરી છે કે કેમ તે અંગે પણ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
