મહાપાલિકા દ્વારા 117 જોખમી ઇમારતોને નોટિસ અપાઈ: ગત વર્ષની 241 જોખમી ઇમારતોનો સર્વે ચાલુ
પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂૂપે જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની જર્જરિત અને જોખમી ઇમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના માટે 6 ટિમો ને દોડાવાઈ છે, અને 13 દિવસના સર્વે દરમિયાન કુલ 117 જેટલા જોખમી સ્થાનોના માલિકો અને ઉપયોગકર્તાઓને ઇમારતો સલામત કક્ષાએ લાવવા 264 ની કલમ મુજબ નોટીસો પાઠવવામાં આવી છે. ઉપરાંત આ વખતે સર્વે દરમિયાન વધુ 17 ઇમારતો જર્જરિત હોવાનું ધ્યાનમાં આવતાં તે તમામને નોટિસ આપી દેવાઇ છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર અને આસી. કમિશનર ભાવેશ જાની તેમજ ટીપીઓ બ્રાન્ચના ઊર્મિલ દેસાઈ અને અનિલ ભટ્ટ ની રાહબરીમાં બે-બે કર્મચારીઓની 6 ટીમો બનાવી છેલ્લા 13 દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં સર્વે કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 241 જેટલા જર્જરિત મકાનો અને ઇમારતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 11 સ્થળોએ જરૂૂરી રિપેરીંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું તેમજ 25 સ્થળોએ જોખમી ભાગો તોડી દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગેલેરી, પેરાપેટ, અગાસી સહિતના જોખમી ભાગો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે.
મનપાની આ સર્વે કામગીરી આગામી તા. 20 સુધી ચાલુ રહેશે. તંત્ર દ્વારા ખાસ કરીને જૂના અને જર્જરિત મકાનો ધરાવતા વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. આગામી 20 મી તારીખ પછી જે જોખમી ઇમારતો જણાશે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાશે જેમાં એસ્ટેટ વિભાગની પણ મદદ લેવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ ખાતે બેસતા ગુજરાત હાઉસીંગ બોર્ડના કાર્યપાલક ઈજનેરને પણ મનપા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ હાઉસીંગ બોર્ડ દ્વારા જામનગર શહેરની સાધના કોલોની, પીજી કોલોની, રણજીતનગર કોલોની, શાસ્ત્રીનગર કોલોની, ખોડીયાર કોલોની, લાખોટા મિગ કોલોની, કોટનમીલ કોલોની અને હર્ષદમીલ કોલોની સહિતના વિસ્તારોમાં આવેલા જર્જરિત આવાસોને લઈને ચેતવણી નોટીસો જાહેર કરવામાં આવી છે.
હાઉસીંગ બોર્ડ દ્વારા જણાવાયું છે કે પ્રાથમિક દ્રષ્ટીએ જોખમી જણાતા મકાનોનો તાત્કાલિક વપરાશ બંધ કરવામાં આવે. નોટીસ છતાં રહેવાસીઓ દ્વારા મકાનો ખાલી નહીં કરવામાં આવે અથવા અનઅધિકૃત ઉપયોગ ચાલુ રાખવામાં આવશે અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત રહેવાસીની વ્યક્તિગત રહેશે. ગુજરાત હાઉસીંગ બોર્ડ અથવા સરકાર તેની જવાબદાર રહેશે નહીં તેમ પણ નોટીસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
અતિ જર્જરિત 6 ઈમારતોને તાત્કાલિક તોડી પાડવા માટે થશે કાર્યવાહી
જામનગર શહેરમાં કુલ છ ઇમારતો અતિ જર્જરી છે અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેના ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવશે. જેમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી ગીતા લોજ વાળી જૂની ઈમારત કે જે હાલ અત્યંત જર્જરિત હોવાથી ખાલી કરી દેવામાં આવી છે, અને નજીકના ભવિષ્યમાં તેનું ડિમલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવશે. આ ઉપરાંત પટેલ કોલોની શેરી નંબર 11 માં આવેલો મીરા એપાર્ટમેન્ટ, તેમજ નવાગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી એપાર્ટમેન્ટ વાળું બિલ્ડીંગ, શરૂૂ સેક્શન રોડ પર આવેલો ઓધવરામ એપાર્ટમેન્ટ કે જેને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવાયો છે, જેમાં નળ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે, અને હાલ આ બિલ્ડીંગો વપરાશ મુક્ત છે. સાથો સાથ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલું કસ્ટમ હાઉસ વાળું જુનું બીલ્ડીંગ તેમજ જામના ડેરા પાસે આવેલી મહાનગરપાલિકાની બે જૂની ઓફિસો સહિતના કુલ છ બાંધકામો અતી જર્જરીત હોવાથી આગામી નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાશે.
